જાણો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પુણેને બદલે વડોદરામાં કેમ સ્થાપવામાં આવી ?
વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર
શું તમને ખબર છે કે 1930 ના દશક સુધી ભારતભરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ક્યાંય નહોતી
1930 ના દાયકામાં છત્રપતિ રાજા શાહુ મહારાજએ મહારાષ્ટ્રીયન સંસ્કૃતિની 'રાજધાની' પુણે શહેરના હાર્દમા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. તે માટે તેમને એક શરત મૂકી કે જે મૂર્તિકાર આ કાર્ય સૌથી ઝડપથી પૂર્ણ કરશે તેની પ્રતિમાને પુણેમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.
આ માટે બે મૂર્તિકારોની તેમની યોગ્યતાના આધારે પસંદગી કરવામાં આવી. આ કાર્ય આ બન્ને જણા પોતાની આગવી શૈલીનાં આધારે કરવા માંગતા હતા. તેથી પસંદગીકારો પાસે બંનેને સ્પર્ધાત્મક તક આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો.
મુંબઈના મ્હાત્રે અને તેમના પુત્ર શ્યામરાવ અષ્ટધાતુમાં piece meal sand casting ટેક્નિકથી વધુ સારું ફિનિશિંગ આપવામાં માનતા હતા જયારે અલીબાગના કરમારકરજી પાસે મૂળભૂત આઈડિયા એવો હતો કે એક સિંગલ પીસમાં ઝડપથી કાર્ય પૂર્ણ કરી ઇનામ અને દરજ્જો જીતી લેવો. અને કરમારકરજી સ્પર્ધા જીતી લીધી.
બીજી બાજુ આ રેસમાં મ્હાત્રે થોડા મોડા પડ્યા અને સ્પર્ધા હારી ગયા. આમા તેમને તેમનું સર્વસ્વ ગુમાવ્યું. જેની જાણ બરોડા રાજ્યના પ્રજાવત્સલ મહારાજા સર સયાજી રાવને થઇ અને તેમને તરત જ આ બીજી પ્રતિમા ખરીદવા માટેનો પ્રસ્તાવ મ્હાત્રેને મોકલ્યો અને આમ મહારાજા સયાજીરાવની સમયસરની સહાયથી એક કલાકારને નવું જીવતદાન મળ્યું. અને મ્હાત્રે એ બનાવેલ છત્રપતિ શિવાજી મહારાજની તે પ્રતિમાને વડોદરાનાં મહારાજા દ્વારા કમાટીબાગના (સયાજીબાગમાં) મ્યુઝિયમ પાસે સ્થાપિત કરવામાં આવી જે આજે સયાજીબાગ અને શહેરની શોભા અભિવૃદ્ધિ કરે છે.
સાહસ અને શૌર્યના પ્રતીક, હિંદુ હૃદયસમ્રાટ અને મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે આ પ્રતિમા રિસ્ટોરેશન બાદ પુનઃ ખુલી મૂકવામાં આવી છે.