પતંગોત્સવમાં રામજી ઇફેક્ટ : શ્રીરામના ફોટાની પતંગ, વડોદરાના મેયર-કોર્પોરેટરોએ જમાવી ગરબાની રમઝટ
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજે શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રામજીની તસ્વીરવાળી પતંગએ આકર્ષણ જમાવ્યું હતું. સાથે સાથે પતંગ રસિયા અને કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેટરો એ ગરબાની રમઝટ પણ જમાવવી હતી.
પ્રત્યેક વર્ષે ઉત્તરાયણ અગાઉ દેશ-વિદેશ અને અન્ય શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય પતંગવીરો ઉજવણીમાં ભાગ લેતા હોય છે. આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન મેયર પિન્કીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા સાથે મેયર સાથે અન્ય મહિલા કાઉન્સિલરો અને મહિલા પતંગ વીરોએ ગરબાની રમઝટ જમાવી હતી. વિશેષ કરીને આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ખુલ્લું મૂકાનાર ભાગવાન શ્રીરામની ઝાંખી કરાવતી પતંગ તેમની તસ્વીરવાળી પતંગે આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત આકાશમાં અવનવી, રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. બહોળી સંખ્યામાં શહેરીજનો પતંગ મહોત્સવ જોવા પહોંચ્યા હતા.