મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાના કેસમાં સંડોવાયેલા કિશન રાજપૂતને પોલીસ પકડતી નથી
કિશન સામે મકરપુરામાં એક અને વાડીમાં બે ગુના દાખલ થયા છે : તેની સામે પોલીસે ધરપકડ વોરંટ પણ મેળવ્યું છે
વડોદરા,સાપ્તાહિકના ઓથા હેઠળ લોકો પાસેથી ખંડણી વસુલતા કહેવાતા પત્રકાર સામે ખંડણીના ત્રણ ગુના વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. ગુનાઇત ભૂતકાળ ધરાવતા કિશન રાજપૂત સામે ગુના દાખલ થયાને એક વર્ષ થવા આવ્યું હોવા છતાંય પોલીસ તેને પકડતી નહીં હોવાથી પોલીસ તેનાથી ગભરાઇ રહી હોવાનું જણાઇ આવે છે.
માણેજા વિસ્તારમાં રહેતી મહિલા પાસે આરોપીઓ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી. મહિલા સરન્ડર નહીં થતા કિશન રાજપૂત સહિત અન્ય આરોપીઓએ તેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. તે કેસમાં છેક રાજ્ય પોલીસ વડા સુધી ફરિયાદ કર્યા પછી મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કિશન રાજપૂત સામે ભૂતકાળમાં પણ ખંડણીના ગુના વડોદરા તાલુકા, સાવલી, વાઘોડિયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુના દાખલ થયા છે. તેની પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા આ ગુનામાં પોલીસે અત્યારસુધી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કિશન રાજપૂતને પોલીસ પકડતી નથી. જે અંગે ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી જણાવ્યું છે કે, કિશન રાજપૂત વાડી અને મકરપુરા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તે કેટલાક પોલીસ સ્ટાફના પણ સંપર્કમાં છે.સરકારી કચેરીઓમાં ફરતા આરોપી કિશન રાજપૂત સામે વાડી પોલીસ સ્ટેશનમાં પણ ખંડણીના બે ગુનાઓ નોંધાયા છે. તે સરકારી કચેરીઓમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પોલીસ વિરૃદ્ધ વિગતો લખી તે પોલીસ પર એક પ્રકારનું દબાણ ઉભું કરી રહ્યો છે.જેથી, પોલીસ તેને પકડતા ગભરાય છે અને જાણી બુઝીને તેની ધરપકડ કરતી નથી. તેની સામે ધરપકડ વોરંટ પણ પોલીસે મેળવ્યું હોવાછતાંય કોઇ કાર્યવાહી થતી નથી. કિશન એક વર્ષ જેટલા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ હોવાછતાંય શહેરમાં ફરી રહ્યો છે.
કિશન રાજપૂતને વહેલી તકે ઝડપી પાડી તેની ધરપકડ કરી પુરવણી ચાર્જશીટ કરવા મારી રજૂઆત છે.અન્ય આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ થતા કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. તેવા સમયે કિશનનો મહત્વનો રોલ હોઇ તેઓને પણ પકડી કાર્યવાહી કરવા મારી રજૂઆત છે.