Get The App

રાજમહેલના કાર્યક્રમ માટે મહારાજા સયાજીરાવ કીર્તનકાર નાનાબુઆ માટે ખાસ બગી મોકલતા હતા

વડોદરાના વતની કીર્તનકાર સુપેકરબુઆને લોકમાન્ય ટીળકે કીર્તન કેસરીની પદવી એનાયત કરેલી

વડોદરામાં ૧૯૪૦થી ૧૯૭૦માં૧૨૨ કીર્તનકારો હતા હવે માત્ર ૧૫થી ૨૦ છે

Updated: Mar 27th, 2019

GS TEAM

Google News
Google News
રાજમહેલના કાર્યક્રમ માટે મહારાજા સયાજીરાવ કીર્તનકાર નાનાબુઆ માટે ખાસ બગી મોકલતા હતા 1 - image

વડોદરા, તા.27 માર્ચ 2019, બુધવાર

આશરે ૧૮૭૫માં જન્મેલા અને વડોદરાની ખંડેરાવ માર્કેટ નજીક લક્કડપીઠા રોડ પાસે રહેતા હરિભક્તિ પરાયણ સુપેકરબુઆ જેઓ નાનાબુઆ બડોદેકરના હુલામણા નામથી જાણીતા હતા. તેઓ એટલા મોટા કીર્તનકાર હતા કે તેમને લોકમાન્ય ટીળકે કીર્તન કેસરીની પદવી આપેલી હતી. ભારતના એકમાત્ર અત્યારસુધીના કીર્તનકાર છે જેમને આ પદવીનું સન્માન પ્રાપ્ત થયેલું છે.

વડોદરાના કીર્તનકાર સંકેત ભોળેએ જણાવ્યું કે, શહેરમાં ૧૯૪૦થી ૧૯૭૦ સુધી ૧૨૨ કીર્તનકારો હતા પરંતુ ધીમે-ધીમે રુચિ ઓછી થતા અત્યારે શહેરમાં માત્ર ૧૫થી ૨૦ જ કીર્તનકારો રહ્યા છે.કીર્તનકાર સુપેકરબુઆના ૬૫ વર્ષીય પૌત્ર હરિશમહારાજ કુડલીકબુઆ સુપેકરે પોતાના દાદા વિશે જણાવ્યું કે, તેઓએ ૧૫ વર્ષની ઉંમરથી આધ્યાત્મ વિષય પર કીર્તન કરવાનું શરુ કર્યું હતું. મહારાષ્ટ્રમાં સૌથી વધારે તેમણે કીર્તન કર્યા છે. નાનાબુઆ અને ઉસ્તાદ ફૈયાઝ ખાં બંને સામસામે રહેતા હતા એટલે જ્યારે પણ રાજમહેલમાં સંગીતનો કાર્યક્રમ હોય એટલે સયાજીરાવ બંનેને રાજમહેલ લાવવા માટે બગી મોકલતા હતા. અને જ્યારે પણ માર્કેટ પાસે આવેલા વિઠ્ઠલમંદિરમાં મહોત્સવ હોય ત્યારે રાજમહેલ તરફથી સુરક્ષા હેતુ ચાર પોલીસને મોકલવામાં આવતી હતી તેમજ ગાયકવાડ પરિવાર તરફથી સાલિયાણા એટલે કે વર્ષની અમુક ચોક્કસ રકમ તેમજ અનાજ આપવામાં આવતું હતું.

નાનાબુઆ સાથે કીર્તનમાં તેમના દીકરાઓ હાર્મોનિયમ ,તબલાની જુગલબંધી કરતા હતા. ભવિષ્યમાં કીર્તનકારોને ઉપયોગી થાય તેવા નારાયણી ટીકા અને કુરુક્ષેત્ર ચા રણાંગણાવર એટલે કે કુરુક્ષેત્રના રણ પરની કથાને કેવી રીતે કીર્તનરુપે રજૂ કરવી તેવા બે મોટા ગ્રંથ લખેલા છે. તેમના શિષ્ય પુનાના મુરલીધરબુઆ નિઝામપુરકરે કીર્તનની પ્રથા આગળ વધારી હતી. નાનાબુઆએ સન્યાસ લીધા બાદ ૧૯૬૯માં ૯૪ વર્ષની વયે ચાંદોદ નર્મદામાં જળસમાધી લીધી હતી.

કીર્તન દ્વારા સચોટ સામાજિક સંદેશરાજમહેલના કાર્યક્રમ માટે મહારાજા સયાજીરાવ કીર્તનકાર નાનાબુઆ માટે ખાસ બગી મોકલતા હતા 2 - image

કીર્તન સાંભળીને મહારાષ્ટ્રના ગામડાના લોકોએ દીકરીઓને ભણવા મોકલી

પૂનાથી આવેલા ૩૭ વર્ષીય હ.ભ.પ.રેશિમતાઈ ખેડકરે શહેરમાં યોજાયેલા કીર્તનમહોત્સવમાં પ્રથમ દિવસે શિવાજીનો જન્મ અને બાળપણની કથા કીર્તનના માધ્યમથી લોકોને સંભળાવી હતી. અત્યારસુધી વિવિધ વિષય પર ૭૦૦થી ૮૦૦ કીર્તન કરનાર રેશિમતાઈએ જણાવ્યું કે, જ્યારે ભારતમાં બેટી બચાવો આંદોલન ચાલેલુ ત્યારે આ વિષય પર કીર્તનના માધ્યમથી ઝાંસીની રાણીના પરાક્રમ, સ્ત્રી સંતોના વિચારો, કિરણ બેદી, કલ્પના ચાવલા જેવી નારીઓની કથા કહી હતી.સામાન્ય રીતે કીર્તનને ભજનરુપે રજૂ કરવામાં આવે છે પરંતુ આજની યુવાપેઢી આપણા મહાન સંત-મહાત્માઓ તેમજ ક્રાંતિવીરોની ગાથા જાણી શકે તે હેતુથી મરાઠી સમુદાયે કીર્તનના માધ્યમથી ઐતિહાસિક કથાઓ તેમજ સામાજિક સમસ્યાઓને કીર્તનના માધ્યમથી રજૂ કરી રહ્યા છે.

જેનું ઉદાહરણ આપતા રેશિમતાઈએ કહ્યું કે, મહારાષ્ટ્રના ગામડા જેવા કે, જામ, સંભાજીનગર, મરાઠાવાડામાં અમે બેટી બચાવ વિષય પર કીર્તન કર્યું ત્યારે બાળકીઓના માતા-પિતાએ અમારી પાસે આવીને કહ્યું હવે અમે અમારી દીકરીઓને ઘરકામ નહીં પણ શાળાએ મોકલીને ભણાવીશું. અત્યારે મહારાષ્ટ્રમાં ૩૦૦થી વધારે મહિલા કીર્તનકારો છે. ઉલ્લેખનીય છે કે, વાડી વિસ્તારમાં ભારતમાતા મંદિર ખાતે તા.૨૭ માર્ચથી ૨જી એપ્રિલ સુધી દરરોજ સાંજે શિવાજીની જીવનગાથા કીર્તનના માધ્યમથી રજૂ કરાશે.