રાવપુરામાં યુવાન તેની પ્રેમિકા સહિત બે સગીરાને ભગાડી જતા ચકચાર
દાહોદ પાસેથી બે સગીર સહેલીને પોલીસે શોધી કાઢી ઃ યુવાન ફરાર થઇ ગયો
વડોદરા, તા.13 રાવપુરા વિસ્તારમાંથી બે સગીર સહેલીઓનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થયા બાદ પોલીસની શોધખોળના અંતે બંને સહેલીઓનો દાહોદ ખાતે પત્તો મળતાં પોલીસે બંનેને શોધી કાઢી હતી જ્યારે તેનું અપહરણ કરી જનાર યુવક ફરાર થઇ જતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૧ના રોજ બપોરે રાવપુરા વિસ્તારમાં રહેતી એક સગીરા હું ફ્રેન્ડના ઘેર જઉં છું તેમ કહી ઘેરથી નીકળી હતી. તે ફ્રેન્ડના ઘેર ગયા બાદ બંને સહેલી ત્યાંથી પણ ઘરમાં કોઇને જાણ કર્યા વગર નીકળી ગઇ હતી. બંને સહેલી લાંબા સમય સુધી પરત નહી આવતા ઘરના સભ્યોને ચિંતા થવા લાગી હતી. દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે બંને સહેલીને એક યુવાન ભગાડી ગયો છે. આ અંગે સગીરાના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે બંને સગીરાને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી અને બંને સહેલી તેમજ બંનેને ભગાડી જનાર યુવાન દાહોદ તરફ હોવાનું જાણવા મળતાં પોલીસની એક ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બંને સગીરાઓને શોધી કાઢી હતી. જો કે પોલીસને જોઇ યુવાન ફરાર થઇ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે એક સગીરા સાથે યુવાનને પ્રેમસંબંધ હતો અને તે લાલચ આપીને સગીરા તેમજ તેની સહેલીને ભગાડી ગયો હતો. પોલીસે યુવાનની તપાસ હાથ ધરી છે તેની ધરપકડ બાદ સાચી વિગત બહાર આવશે.