કારમાં યુવાનનું અપહરણ કરીને સાડા ચાર લાખ રૃપિયાની ખંડણી વસૂલાઇ
ગાંધીનગર શહેર નજીક બોરીજમાંથી
યુવાન પાસેથી જીવતા રહેવા દસ લાખ માગવામાં આવ્યા : એટીએમમાંથી પણ રૃપિયા ઉપાડયા : અજાણી મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના બોરીજમાંથી આયુર્વેદિક તેલનો વેપાર કરતા યુવાનનું કારમાં અપહરણ કરીને મહિલા સહિત ચાર શખ્સોએ જીવતા રહેવા માટે દસ લાખ રૃપિયાની ખંડણી માંગી હતી. જોકે યુવાને તેના મિત્રના સસરા મારફતે ૪.૫૦ લાખ રૃપિયા આંગડિયા મારફતે મંગાવીને આ અપહરણકારોથી છૂટકારો મેળવી લીધો હતો. આખરે અંગે ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચાર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ખાત્રજ રોડ ઉપર દંતાલી જીઆઇડીસી પાસે રહેતા રામસિંગ ગુલાબભાઈ પરમાર દ્વારા તેની કારમાં આયુર્વેદિક તેલનો વેપાર કરવામાં આવે છે અને તેલ માલિશ પણ કરી આપવામાં આવે છે. ગત બુધવારના રોજ સવારના સમયે તે કાર લઈને ગાંધીનગરના બોરીજ ખાતે આવ્યો હતો તે દરમિયાન તેની કારની પાછળ એક કાર આવીને ઊભી રહી હતી અને તેમાં ત્રણ પુરુષ અને એક મહિલા સવાર હતા. આ યુવાન રામસિંગને બળજબરીથી કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને છરી બતાવીને માર મારી જીવતા રહેવું હોય તો દસ લાખ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેના મિત્ર કાળાભાઈનો ફોન આવ્યો હતો અને તેણે અપહરણ થયું હોવાથી રૃપિયા આપવા કહ્યું હતું. જો કે તેણે તું મારા સસરાને ફોન કર તેમ કહેતા તેમના સસરા કનુભાઈને ફોન કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે સાડા ચાર લાખ રૃપિયાની વ્યવસ્થા કરાવી દઉં છું અને રૃપિયા બોપલની આર.કે આંગડિયા પેઢીમાં નાખવાનું કહ્યું હતું ત્યારબાદ આંગડિયા પેઢીમાંથી યુવાન પર ફોન પણ આવ્યો હતો અને આ દરમિયાન આ અપરણકારોએ તેના એટીએમનો પાસવર્ડ મેળવીને ૧૧ હજાર રૃપિયા પણ ઉપાડી લીધા હતા. તો કારમાં સવાર મહિલા દ્વારા ગાલ ઉપર સિગારેટનો ડામ પણ આપવામાં આવ્યો હતો. બોપલ ખાતે પહોંચીને આંગડિયા પેઢીમાંથી તેમણે રૃપિયા ઉપાડી લીધા હતા અને ત્યારબાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. યુવાન રિક્ષામાં અક્ષરધામ પહોંચ્યો હતો અને ત્યાંથી કાર લઈને ઘરે ગયો હતો. જો કે પરિવારજનોએ તેની વાત ઉપર વિશ્વાસ નહીં કરતા પ્રાંતિજ ખાતે ટોલ ટેક્સના સીસીટીવી તપાસીને ફરિયાદ કરવા માટે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે મહિલા સહિત ચાર સામે અપહરણ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ખરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને યુવાન દ્વારા દર્શાવાયેલા રૃટના સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યા છે.