કાગળ પર ખેતતલાવડી બનાવી જીએલડીસીમાં બે લાખનો ભ્રષ્ટાચાર
તત્કાલીન મદદનીશ નિયામક સહિત ચાર સામે એસીબીમાં ફરિયાદ ઃ કોટ્રાક્ટરની ધરપકડ
વડોદરા,તા.13 ડિસેમ્બર, ગુરૃવાર
ગુજરાત જમીન વિકાસ નિગમના ખેત તલાવડી કૌભાંડમાં શિનોર તાલુકાના સુરાશામળ ગામે માત્ર કાગળ પર જ ખેત તલાવડી બનાવી અધિકારી તેમજ કર્મચારીઓએ રૃા.૨.૦૯ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ એસીબી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
શિનાર તાલુકાના સુરાશામળ ગામે જીએલડીસી દ્વારા ખેત તલાવડી માત્ર કાગળ પર બનાવવામાં આવી હોવાની વિગતોના પગલે એસીબીના મદદનિશ નિયામક એન.પી. ગોહીલના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસીબીના પીઆઇ ડી.બી. બારડ તેમજ સ્ટાફના માણસો દ્વારા સ્થળ પર જઇ તપાસ કરી જમીનને લગતા દસ્તાવેજોે તેમજ બેંક સ્ટેટમેન્ટ મેળવી ખેડૂતોના જવાબો લેતા પોતે ખેત તલાવડી માટે કોઇ અરજી કરી નથી તેમ જાણવા મળ્યું હતું.
સ્થળ પર કોઇ ખેત તલાવડી પણ જોવા મળી ન હતી તેમજ તેના બિલો બનાવી સરકારી તિજોરીમાંથી રૃા.૨૦૯૮૯૧નો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું બહાર આવતા એસીબી દ્વારા જીએલડીસીના તત્કાલીન મદદનીશ નિયામક કે.જી. ઉપાધ્યાય, ફિલ્ડ સુપરવાઇઝર કે.જે. શાહ, ક્ષેત્ર મદદનિશ ડી.પી. રાઠવા અને કોન્ટ્રાક્ટર ધીરેન્દ્રસીંગ માલમસીંગ સામે ગુનો નોંધી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.