ખાખીનું સમાજ સુધારણા અભિયાનઃ નશેડીઓને નશાની દુનિયામાંથી સમાજમાં વટભેર પરત લવાશે
નશાના કારોબાર સાથે સંકળાયેલા 147 યુવક-યુવતીઓ માટે એક એક મેન્ટોર વીક્લી રિપોર્ટ મેન્ટેન કરશે
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ દ્વારા નશાની દુનિયામાં પ્રવેશેલા લોકોને સમાજમાં સન્માન ભેર પરત લાવવા અને પગભર કરવા માટે સમાજ સુધારણા અભિયાન ઉપાડવામાં આવ્યું છે.જેની પહેલી મીટિંગમાં નશાના કારોબારમાં જામીન પર છૂટેલા ૧૪૭ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
નશો કરતા હોય કે નશીલા દ્રવ્યોની હેરાફેરી અથવા વેચાણ કરતા હોય તેવા લોકોને નશીલી દુનિયામાંથી પરત લાવી સમાજમાં ફરીથી પ્રતિષ્ઠા મળે તેવા પ્રયાસ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌત અને જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ અભિયાન ઉપાડયું છે.
વડોદરા પોલીસની એસઓજી દ્વારા આ વિશિષ્ટ પ્રકારના આ અભિયાનને સફળ બનાવવા માટે દરેક પોલીસ સ્ટેશન,જેલ અને કોર્ટ સાથે સંકલન કરીને લાંબી કવાયત કરવામાં આવી હતી.એસઓજીના પીઆઇ વી એસ પટેલે કહ્યું હતું કે,આ માટે અમે નશાના કેસમાં જામીન પર છૂટયા હોય તેવા ૧૪૭ લોકોની યાદી તૈયાર કરી હતી.જેમાં ૨૭ યુવતી અને મહિલા પણ સામેલ છે.
આજે તમામ લોકોને પોલીસ હેડક્વાર્ટર ખાતે ભેગા કરવામાં આવ્યા હતા.આ અભિયાનમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત ત્રણ એનજીઓની પણ મદદ લેવામાં આવી હોવાથી તેમના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.તમામ લોકોને નશાને કારણે થતા નુકસાન,નવા કાયદાની કડક જોગવાઇ અને સમાજમાં પગભર કરવામાં કેવી રીતે પોલીસ મદદ કરશે તેની સમજ આપવામાં આવી હતી.દરેક આરોપી માટે એક મેન્ટોર રાખવામાં આવ્યા છે.જે મેન્ટોર નશો કરનાર પર વોચ રાખશે અને તેના સબંધીઓના પણ સંપર્કમાં રહી જ્યાં સુધી પુરેપુરો સુધાર નહિં આવે ત્યાં સુધી રિપોર્ટ અપડેટ કરતા રહેશે.
એમબીબીએસ થયેલા ડોક્ટરે કહ્યું,મેં નશો બંધ કર્યો છે..બીજાને પણ છોડાવીશ
શિક્ષિત વિદ્યાર્થિનીએ કહ્યું,ગાંજાની લત છોડી અમે કારકીર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે
નશાની દુનિયામાં ગયેલા લોકોને ફરીથી સમાજમાં લાવવા માટે પોલીસે ઉપાડેલા અભિયાનમાં હાજર રહેલા ૧૪૭ આરોપીઓમાં ઉચ્ચ શિક્ષિત લોકોનો પણ સમાવેશ થાય છે.
નશાની લતે ચડેલા એમબીબીએસ યુવકે કહ્યું હતું કે,મેં તો નશો બંધ કરી દીધો છે.પરંતુ હવેથી હું મેડિકલ લાઇનનો ઉપયોગ બીજાનો નશો છોડાવવા માટે કરીશ.
જ્યારે બે શિક્ષિત વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે,ગાંજાની લત અમને ભારે પડી છે.પરિવાર,પોલીસ અને એનજીઓના સહકારથી અમે ફરીથી કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.અમારે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં સારું સ્થાન મેળવવું છે.
નશાના કારોબાર સાથે સંકળાયેલા તમામ 147 લોકોનો વીક્લી રિપોર્ટ બનશે
દરેક મેન્ટોર તેને સોંપેલા આરોપી અને તેમના પરિવારના સંપર્કમાં રહી દર સપ્તાહે રિપોર્ટ સુપરત કરશે
નશાના કારોબાર સાથે સંકળાયેલા તમામ ૧૪૭ લોકોનો વીક્લી રિપોર્ટ તૈયાર થશે
એસઓજીના પીઆઇ એ કહ્યું હતું કે,નશાના કારોબારમાં છેલ્લા છ મહિના દરમિયાન એક જ વાર પકડાયા હોય તેવા લોકોને નશાની દુનિયામાંથી પરત લાવવા અમે તૈયાર છીએ.
આ માટે દરેક આરોપી દીઠ એક એક મેન્ટોર નજર રાખશે.મેન્ટોર તેના પરિવાર અને મિત્ર વર્તુળો પર પણ નજર રાખશે અને દર અઠવાડિયે તેનો રિપોર્ટ તૈયાર કરી એસઓજીને મોકલશે.
27 યુવતીઓ અને મહિલાઓ નશાનું કલંક કઢાવશે
નશાની દુનિયામાં જાણે-અજાણે પ્રવેશેલી ૨૭ યુવતીઓ અને મહિલાઓએ નશાનું કલંક કઢાવવા તૈયારી બતાવી છે.પોલીસે કહ્યું છે કે,આ તમામ યુવતીઓ અને મહિલાઓને મહિલા પોલીસ મદદરૃપ થશે.તેમને પગભર થવામાં પણ પોલીસ અધિકારીઓ સહકાર આપશે.
નવા એક્ટ મુજબ હવે નશાબાજોની મિલકતો જપ્ત થઇ શકશે
પોલીસે કહ્યું છે કે,નારકોટિક્સના નવા એક્ટમાં કડક જોગવાઇ કરવામાં આવી છે.આ કાયદામાં હવે નશાનો કારોબાર કરતી વ્યક્તિ તેની મિલકતનો નશા માટે ઉપયોગ ના કરે તે માટે મિલકત જપ્ત કરવાની પણ છૂટ આપવામાં આવી છે.