શ્રાવણ માસના છેલ્લા સોમવારે રજાની માંગ સાથે કાવડયાત્રાનું પ્રસ્થાન : નવનાથ મંદિરોમાં જળાભિષેક
Vadodara Kavad Yatra : શ્રાવણ માસના આજે છેલ્લા સોમવારે ભક્તિ ભાવ સાથે શહેરના સિદ્ધનાથ મંદિરથી 11મી કાવડી યાત્રાનું શ્રદ્ધાપૂર્વક પ્રસ્થાન સવારે કરાવવામાં આવ્યું હતું. શહેરના તમામ નવનાથ મહાદેવ થઈને છેલ્લે જાગનાથ મહાદેવ ખાતે કાવડયાત્રાના સમાપન બાદ મહા આરતી પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાના શહેરના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની 11મી કાવડ યાત્રા ઐતિહાસિક સિદ્ધનાથ મંદિર ખાતેથી સવારે નિયત સમયે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષથી નીકળતી આ કાવડયાત્રા આ વર્ષે પણ ધામધૂમથી નીકળી હતી.
નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા સિધ્ધનાથ મંદિર ખાતે આવેલ દેવાધિદેવ મહાદેવના ઐતિહાસિક મંદિરથી આ કાવડયાત્રાનો પ્રારંભ વહેલી સવારે કરવામાં આવતા કાવડીયાઓએ પવિત્ર નદીઓના જળથી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક કરી તેમ જ આરતી કરી યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું હતું. આ યાત્રામાં નાથ સંપ્રદાયના લોકો પણ વિશેષ જોડાયા હતા. તેમજ વડોદરાના ખ્યાત વિવિધ મહાદેવ મંદિરોમાં બમ બમ ભોલેના નાદ સાથે પવિત્ર નદીઓનો જળાભિષેક કરવામાં આવશે. વડોદરા તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા હતા. ત્યારે ઉજ્જૈનથી ભૈરવ જ્યોત અને દંડ લાવવામાં આવ્યો હતો. જેના દર્શન માટે ઠેર-ઠેર ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટશે. ગત 2014ની સાલમાં વિશ્વ શાંતિના હેતુ સાથે નવનાથ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુંમાં હાલની પૂરની સ્થિતિમાં લોકો ફરીથી પગ ભર થાય તેમ જ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં કરવામાં આવે છે. તેમ દર્ભાવતીના સાધુ અને આ કાવડ યાત્રાના પ્રણેતા વિજયજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રાવણના છેલ્લા સોમવારે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ અને ધારાશાસ્ત્રી નીરજ જૈન તથા દર્ભાવતીના સાધુ વિજયજી મહારાજ તેમજ નાથ સંપ્રદાયના સાધુ-સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 7 વાગ્યે કાવડ યાત્રા વડોદરાના જાગનાથ મંદિર ખાતે આવશે. જ્યાં મહા આરતી કાવડ યાત્રીઓનું સ્વાગત કરાયા બાદ મહા આરતી પછી કાવડિયાઓ સહિત ભક્તજનો માટે મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનોને આ મહાપ્રસાદી તેમજ મહા આરતીનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.