શ્રાવણના છેલ્લા સોમવારે શહેર શિવમય બન્યું, કાવડ યાત્રા યોજાઈ
વડોદરાઃ વરસાદી માહોલ વચ્ચે આજે વડોદરા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવમય બન્યું હતું.મોટી સંખ્યામાં ભાવિકો શહેરના નવનાથ સહિતના શિવ મંદિરોમાં પૂજા માટે અને દર્શન માટે ઉમટી પડયા હતા.લોકોએ વરસાદ ખમૈયા કરે અને શહેર પરનુ સંકટ દૂર થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.
આ વખતે શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારથી થયો હતો અને આજે પૂર્ણાહૂતિ પણ સોમવારથી જ થઈ હતી.શહેરના કાશી વિશ્વનાથ મંદિર સહિતના વિવિધ મંદિરો અને શહેર ફરતેના પૌરાણિક નવનાથ મંદિરોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.શહેરના શિવાલયો ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠયા હતા.
શહેરમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ૧૧મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે સાત વાગ્યાથી સિધ્ધનાથ મહાદેવ ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો હતો.જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.કાવડિયાઓ દ્વારા પવિત્ર નદીઓના જળથી નવનાથમાં શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો.સાંજે કાવડયાત્રાનુ જાગનાથ ખાતે સમાપન થયું હતું.જ્યાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.