કાશ્મીરમાં બેંક લૂંટનો આરોપી સાવલીની કંપનીમાંથી ઝડપાયો
ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી બાદ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો
સાવલી તા.૨૩
સાવલી તાલુકાના લામડાંપુરા રોડ આવેલી એક ખાનગી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર અને મંજુસર પોલીસે સંયુકત ઓપરેશન કરી દોઢ વર્ષથી જમ્મુના સુરણકોટ શહેરની બેંક લૂંટના દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો હતો.
સાવલી તાલુકાના લામડાપુરારોડ પર આવેલ ગુજરાત વિક્ટરી ફોર્જીંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ કંપનીમાં સિક્યુરિટી તરીકે બેંક લૂંટના આરોપી દાનિશ સગીર શાહ (રહે.સુરણકોટ, જિલ્લો.પુંજ, જમ્મુ કાશ્મીર)ને ઝડપી પાડયો હતો. સુરણકોટ શહેરની જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં દોઢ વર્ષ અગાઉ બેંક રોબરી કરીને ફરાર હતો અને લામડાપુરા ખાતે ટાઈગર સિક્યુરિટી ફોર્સમાં છેલ્લા છ માસથી લામડાપુરા ખાતે નોકરી કરતો હતો.
જમ્મુ કાશ્મીર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસ કરીને મંજુસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ટીમ બનાવીને કંપની પર વોચ ગોઠવી બેંક લૂંટના આરોપીને ઝડપી પાડયો હતો. છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી વિવિધ સ્થળોએ ફરતો હતો અને છેલ્લા છ માસથી લાંમડાપુરા ખાતે સિક્યુરિટી જવાનના વેશમાં છુપાયો હતો.