કારેલીબાગના પી.આઇ., પી.એસ.આઇ. અને ૮ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોંપવામાં આવી હતી
વડોદરા,ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યાના પગલે કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. પોલીસની હાજરીમાં જ થયેલા મર્ડરની ગંભીર નોંધ લઇને પોલીસ કમિશનર દ્વારા તે સમયે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આજે એક પી.આઇ., એક પી.એસ.આઇ. અને ૭ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ તંત્રમાં સન્નાટો છવાઇ ગયો છે.
ગત રવિવારે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં થયેલા ઝઘડાના લોહિયાળ પડઘા મોડી રાતે સયાજી હોસ્પિટલમાં પડયા હતા. નાગરવાડાના માથાભારે બાબર પઠાણે સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા સમયે સ્થળ પર પોલીસ હાજર હોવાછતાંય બાબર પઠાણે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના બાદ કારેલીબાગના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને એલઆરડી હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના પછી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૃ કરવામાં આવી હતી.ડીસીપી પન્ના મોમાયાએ તપાસ કરી રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં ઘટના માટે કોણ જવાબદાર હતું ? કોની શું ફરજ બેદરકારી હતી ? તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ ધ્યાને લીધા પોલીસ કમિશનર દ્વારા કારેલીબાગના સેકન્ડ પી.આઇ. કે.એસ.માણીયા, પ્રો.પી.એસ.આઇ. કે.ડી.પરમાર, એ.એસ.આઇ. મનોજ સોમાભાઇ, પ્રવિણકુમાર સેતાજી, હે.કો. જયદેવભાઇ રમેશભાઇ, જયદીપભાઇ જશવંતભાઇ, અર્જુનભાઇ ઇશ્વરભાઇ, ગોવિંદભાઇ ખેમાભાઇ, લોક રક્ષક રાકેશ નટવરભાઇ તથા ભરતભાઇ રણછોડભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.