કપડવંજના બાથાના કુવાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદની સજા
કપડવંજ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ કોર્ટનો ચૂકાદો
રૂા. ૮.૫૦ લાખ ન ચૂકવે તો વધુ છ મહિનાની કેદ, હુકમ વખતે હાજર નહીં રહેનાર આરોપી વિરૂદ્ધ એરેસ્ટ વોરંટ બજાવવાનો આદેશ
કપડવંજ: કપડવંજ તાલુકાના બાથાના કુવાના શખ્સને રૂા. ૮.૫૦ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદ અને બાકી રકમ નહીં ચુકવે તો વધુ છ મહિનાની કેદની સજાનો કપડવંજ કોર્ટે હુકમ કર્યો છે. આરોપી હુકમ સમયે હાજર નહીં રહેતા તેના વિરૂદ્ધ એરેસ્ટ વોરંટ બજાવવાનો પણ આદેશ કોર્ટે ફરમાવ્યો છે.
કપડવંજ તાલુકાના બાથાના કુવાના મનોજ બાબુસિંહ સોલંકી વિરૂદ્ધ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીના સ્પેશિયલ પાવર ઓફ એટર્ની ઈરફાન બસીરભાઈ મુનશી બ્રાન્ચ મેનેજરે કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કપડવંજ તાલુકાના બાથાના કુવાના મનોજ બાલુસિંહ સોલંકીએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાંથી કન્સ્ટ્રક્શન વ્હીકલ ખરીદવા માટે લોન એગ્રીમેન્ટ કર્યું હતું. બાદમાં લોનના નિયમિત હપ્તા નહીં ભરવાના કારણે ફરિયાદીએ લોલનની બાકી રકમ માટે વારંવાર ઉઘરાણી કરી હતી. ત્યારે આરોપીએ સેટલમેન્ટ કરી દેવા જણાવ્યું હતું. જે સંદર્ભે આરોપીએ તા. ૨૮-૧-૨૦૨૧નો બેંક ઓફ ઈન્ડિયા- બાલાસિનોર શાખાનો રૂા. ૮.૫૦ લાખની રકમનો ચેક આપ્યો હતો. જે ફરિયાદીએ પાકતી મુતદે તા. ૯-૯-૨૦૨૧ના રોજ એચડીએફસીમાં રજૂ કરતા રિટર્ન થયો હતો. જે અંગે ફરિયાદી તરફથી વકીલ મારફતે નોટિસ આપવા છતાં આરોપીએ જવાબ ન આપતા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.જે કેસ કપડવંજના એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એ. પંડયાની કોર્ટમાં ચાલી જતાં ૨૫૫-૨ અન્વયે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ તકસીરવાનને સજા સંભળાવવા હુકમ વખતે આરોપી હાજર ન રહ્યો હતો. ત્યારે ફરિયાદીના વકીલ મારફતે આરોપી હાજર નહીં રહેતો હોવાની દલીલો પણ કરાઈ હતી. ફરિયાદીના વકીલની દલિલો ગ્રાહ્ય રાહી કોર્ટે આરોપી મનોજ બાબુસિંહ સોલંકીને બે વર્ષની સાદી કેદ અને લોન પેટે બાકી રકમ રૂા. ૮.૫૦ લાખ ચુકવવા અને જો તે ન ચુકવે તો વધુ છ મહિનાની કેદ ઉપરાંત તકસીરવાન વિરૂદ્ધ એરેસ્ટ વોરંટ બજાવવા હુકમ કર્યો હતો.