સંખેડા તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા કંટેશ્વર ગામ સંપર્કવિહોણું
ગ્રામજનો દૂધ મંડળીમાં દૂધ પણ જમા કરાવી શકતા નથી ઃ વર્ષોથી બ્રિજની માંગ સંતોષાતી નથી
વડોદરા તા.૧૨ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગામના મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળતા આ ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મુખ્ય માર્ગ બંધ હોવાથી દૂધ મંડળીને પશુ માલિકોનું દૂધ પણ મળ્યું ન હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સંખેડા તાલુકાનું કન્ટેશ્વર છેવાડાનું ગામ છે. ઘણા વર્ષોથી કન્ટેશ્વર કાલીતલાવડીરોડ ઉપર લો લેવલનો કોઝ વે આવેલો છે. ઢાઢર નદીમાં પાણી આવતા ગામની આજુબાજુના કોતરોમાં તેમજ લો લેવલના કોઝ વે ઉપર પણ પાણી ફરી વળે છે જેના કારણે ગામના લોકોની અવરજવર પણ તેની ગંભીર અસર પડે છે.
કન્ટેશ્વર ગામની દૂધ મંડળીના સંચાલકે જણાવ્યું હતું કે દૂધ ડેરીમાં સવાર અને સાંજે ૨૪૦ લીટર દૂધ આ ગામમાંથી આવે છે, કાલીતલાવડી કન્ટેશ્વર અને કન્ટેશ્વર વસાહતના પશુ માલિકો કન્ટેશ્વર દૂધ મંડળીમાં દૂધ ભરે છે પરંતુ મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ જતા દૂધ મંડળીએ દૂધ લીધું જ નથી. વહેલી સવારથી પાણી કોઝ વે પર ફરી વળતા મુખ્ય માર્ગ બંધ થઇ ગયો છે.
આ ગામના લોકો ૧૫ વર્ષથી બ્રિજની માંગણી કરી રહ્યા છે પરંતુ સંખેડા તાલુકાના અધિકારીઓની નિષ્કાળજીના કારણે ગામના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી. ધારાસભ્યને પણ આ ગામની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રસ ના હોય તેમ ગ્રામજનોનો લાગી રહ્યું છે. ગ્રામજનોએ હાલમાં પશુનું દૂધ પોતાના ઘરમાં જ મૂકી રાખવું પડે છે જેના કારણે પશુ માલિકોને મોટું નુકસાન થઇ રહ્યું છે.