અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત કરનાર કલ્પ પંડયાનું કેનેડા જવાનું સ્વપ્ન રોળાઇ ગયું

અકસ્માતની રાતે સૃષ્ટિના પરિવારજનો અને કલ્પ પંડયા માંજલપુરના એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત કરનાર કલ્પ પંડયાનું કેનેડા જવાનું સ્વપ્ન રોળાઇ ગયું 1 - image

વડોદરા,અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત  સર્જનાર કલ્પ પંડયા અને તેની મંગેતરના પરિવારજનો રાતે માંજલપુર વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ભેગા થયા હતા. ત્યારબાદ મંગેતરના પરિવારજનો તેમની રીતે ઘરે ગયા હતા. જ્યારે કલ્પ અને સૃષ્ટિ કારમાં નીકળ્યા હતા. તેઓ વચ્ચે થયેલી બોલાચાલીમાં આવેશમાં આવીને કલ્પે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું હતું.

ગુરૃવારની રાતે થયેલા અકસ્માતમાં અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલક કલ્પ કનકભાઇ પંડયાની ધરપકડ કરી હતી. જ્યારે કારમાંથી દારૃ મળી આવતા પોલીસે અલગ ગુનો દાખલ કરી કલ્પ અને તેની મંગેતર સૃષ્ટિની ધરપકડ કરી હતી. અકોટા પોલીસ સ્ટેશનમાં મારી ભૂલ થઇ હોવાનું રટણ કરતા કલ્પની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, અકસ્માત થયો તે રાતે સૃષ્ટિના પરિવારજનો તેમજ કલ્પ પંડયા માંજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. કલ્પ રેસ્ટોરન્ટમાં મોડો પહોંચ્યો  હતો. જેથી, કલ્પ અને સૃષ્ટિ વચ્ચે ત્યાંથી જ નારાજગી શરૃ થઇ હતી. રેસ્ટોરન્ટમાં જમ્યા પછી સૃષ્ટિના પરિવારજનો તેમની રીતે ઘરે ગયા હતા. જ્યારે કલ્પ અને સૃષ્ટિ કારમાં નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવીને કલ્પે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો.

ડીસીપી અભય સોની અને એસીપી એ.વી. કાટકડની સૂચના મુજબ, અકોટા પી.આઇ. વાય. જી. મકવાણાએ હાથ ધરેલી તપાસ દરમિયાન એવી  પણ  વિગતો જાણવા મળી હતી કે, કલ્પ પંડયા પણ કેનેડા જવાની તૈયારી કરતો હતો. કેનેડા જવાના મુદ્દે જ તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે, કલ્પ સામે નોંધાયેલા ગુના પછી  હવે તેનું કેનેડા જવાનું સ્વપ્ન રોળાઇ જશે. તેવું લાગી રહ્યું છે.


એક મોટો ધડાકો થયો અને અમે બંને ઉછળીને રોડ પર ફંગોળાયા

 વડોદરા,અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થિની સયાજી  હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તેણે જણાવ્યું હતું કે, હું અને મારી ફ્રેન્ડ સાથે બેસીને વાતો કરતા હતા. તે દરમિયાન કાર એકદમ પૂરઝડપે આવી હતી. આ કાર એક બાઇક સાથે અથડાઇ અને  મોટો ધડાકો થયો હતો. અમે કંઇ સમજીએ તે પહેલા જ હું અને મારી ફ્રેન્ડ ઉછળીને રોડ પર ફેંકાઇ ગયા હતા. ત્યારબાદ શું થયું ? તે મને ખબર નથી. ઇજાગ્રસ્ત આસ્થાને પગમાં ફ્રેક્ચર થયું છે.


ત્રણ દિવસ પહેલા મારા મિત્રે કારમાં દારૃ પીધો હતો : કલ્પ પંડયા

 વડોદરા,કારમાંથી મળેલી દારૃની બોટલ અંગે પોલીસે કલ્પ પંડયાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,  ત્રણ દિવસ પહેલા હું અને નવાપુરા વિસ્તારમાં રહેતો મારો મિત્ર કારમાં વાઘોડિયા ચોકડી ગયા હતા. ત્યાં મારા મિત્ર સાહિલે દારૃ પીધો હતો. દારૃ વધતા બોટલ ફેંકીને પ્લાસ્ટિકની પાણીની બોટલમાં દારૃ ભરી દીધો હતો. મેં દારૃ પીધો નહતો. જેથી,  પોલીસે તેના મિત્ર સામે કાર્યવાહી હાથ ધરી છે.


દારૃનો રિપોર્ટ નેગેટિવ, ભાંગનો રિપોર્ટ પેન્ડિંગ 

વડોદરા,પોલીસને કલ્પની કારમાંથી દારૃની બોટલ ઉપરાંત ભાંગની ગોળીઓ અને પાવડર પણ મળ્યા હતા. જે કબજે લીધા છે. કલ્પે દારૃ અને ભાંગનો નશો કર્યો હોવાની શક્યતાના પગલે પોલીસે બ્લડ સેમ્પલ લીધા હતા. દારૃનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ભાંગ કે અન્ય કેફી દ્રવ્યનો નશો કર્યો હતો કે કેમ ? તેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.



કલ્પના પિતા ઓમાનથી પરત આવતા નિવેદન લેવાયું 

 વડોદરા,દારૃના કેસમાં કલ્પના સોમવાર સુધીના રિમાન્ડ અકોટા પોલીસે મેળવ્યા છે. આવતીકાલે રિમાન્ડ પૂરા થયા  પછી તેને કોર્ટમાં રજૂ કરી દેવાશે. કલ્પ પંડયાના પિતા ગઇકાલે સાંજે ઓમાનથી પરત આવ્યા હતા. આજે પોલીસે તેના પિતાનું ચાર કલાક સુધી નિવેદન લીધું હતું. પોલીસે અત્યારસુધી કુલ ૧૫ લોકોના નિવેદનો લીધા છે. તેમજ આ ઘટનામાં બચી જનાર ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓના મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો પણ પોલીસ લેવડાવશે.


કલ્પનું લાયસન્સ રદ્દ કરવા માટે પોલીસ આર.ટી.ઓ.ને પત્ર લખશે 

 વડોદરા,અકસ્માત કરનાર કલ્પ પંડયાની કારનું પરિક્ષણ કરવા માટે પોલીસે આર.ટી.ઓ.ને પત્ર લખ્યો હતો. આર.ટી.ઓ. કચેરીના અધિકારીએ આવીને કારનું પરિક્ષણ કર્યુ હતું. સ્પીડ મીટર તૂટી ગયું હોવાથી કેટલી સ્પીડમાં કાર હતી. તે જાણવું અઘરૃં છે. પરંતુ, આર.ટી.ઓ. દ્વારા સ્પીડની જાણકારી માટે અન્ય રીતે તપાસ કરવામાં આવશે. બે થી ત્રણ દિવસમાં આર.ટી.ઓ.નો રિપોર્ટ આવી જશે. આ ઉપરાંત કલ્પનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવા માટે આર.ટી.ઓ.ને પોલીસ દ્વારા પત્ર લખવામાં આવશે.


ન્યાયની માંગણી સાથે આકાશના મિત્રોએ કેન્ડલ માર્ચ યોજી

વડોદરા,અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતમાં જીવ ગુમાવનાર એમ.બી.એ.ના વિદ્યાર્થી આકાશના મિત્રો અને સાથે ભણતા વિદ્યાર્થીઓએ આજે સાંજે એક કેન્ડલ માર્ચ કાઢી હતી. અંદાજે દોઢસો લોકો આ કેન્ડલ માર્ચમાં બેનર સાથે જોડાયા હતા. વી વોન્ટ જસ્ટિસ, આકાશ વોન્ટ જસ્ટિસ, આકાશ કો ન્યાય ચાહીયે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.


Google NewsGoogle News