સ્ટેશન વિસ્તારનું આખુ કડક બજાર માર્કેટ પૂરમાં બરબાદ
વડોદરાઃ વડોદરા શહેરમાં પૂરના કારણે સૌથી વધારે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં સ્ટેશન વિસ્તારનો પણ સમાવેશ થતો હતો.આ વિસ્તારમાં આવેલુ સમગ્ર કડક બજાર પૂરના પાણીમાં બરબાદ થઈ ગયું છે.
કડક બજાર શહેરના સૌથી જૂના બજારો પૈકીનું એક છે.અહીંયા લગભગ ૫૦ કરતા વધારે નાની મોટી દુકાનો આવેલી છે.તેની સાથે સાથે અહીંયા શાક માર્કેટ પણ ભરાય છે.સ્ટેશન વિસ્તાર ભૂતકાળમાં પણ પૂરના કારણે પ્રભાવિત થયો હોવાથી અહીંના વેપારીઓએ અગાઉ પણ પૂર જોયું છે.
આ વખતે પણ વેપારીઓએ પૂરને નજરમાં રાખીને આગોતરી તૈયારીઓ તો કરી હતી પણ વડોદરામાં કોર્પોરેશનના શાસકોના કારણે આવેલા માનવ સર્જિત પૂરે તમામ ગણતરીઓ ખોટી પાડી હતી.એક સ્થાનિક આગેવાને કહ્યું હતું કે, વેપારીઓએ ત્રણ ફૂટ પાણી દુકાનોમાં આવી જશે તેવી રીતે માલ સામાન ખસેડયો હતો પણ પૂરના પાણીમાં તમામ દુકાનો આખે-આખી ડૂબી ગઈ હતી.
પહેલી વખત એવું બન્યું છે કે, આખુ બજાર જ બરબાદ થઈ ગયું હોય.દુકાનોની સાથે સાથે માલ સામાન મૂકવાના ગોડાઉનોમાં પણ પાણી ભરાઈ જતા તમામ વસ્તુઓ ફેંકવાનો વારો આવ્યો છે.દુકાનોની વસ્તુઓની સાથે ફર્નિચર, એસી, પંખા જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ બરબાદ થઈ ગઈ છે
પૂરના પાણી ઉતર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય છે.વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી માલ સામાન બહાર મૂકીને સફાઈ કરી રહ્યા છે.