જસ્ટીસ ફોર MSU સ્ટુડન્ટસ..!! હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર કેમ્પેઈન શરૂ કર્યુ
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલમાં પ્રવેશ માટે મેસ ફી ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં આંદોલન કરનારા 200 વિદ્યાર્થીઓ સામે વાઈસ ચાન્સેરના આદેશથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. માંજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્યે પણ વાઈસ ચાન્સેલરના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી છે ત્યારે હવે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પણ વાઈસ ચાન્સેલર સામે ઝૂંબેશ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર એમએસયુ સ્ટુડન્ટસ..નામથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, એમ.એસ.યુનિવર્સિટીના 200 નિર્દોષ વિદ્યાર્થીઓ પર વાઈસ ચાન્સેલરે રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાથે-સાથે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થીઓને પોતાની સ્ટોરીમાં આ પોસ્ટ એડ કરવા માટે તેમજ પીએમ, ગૃહમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખને તેમાં ટેગ કરવા માટે બીજા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી રહી છે.
સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આ પોસ્ટને લાઈક કરી રહ્યા હોવાથી આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરના ઘરમાં ઘૂસીને આંદોલન કર્યુ હોવાથી તેમની સામે આ ઘટનાના 6 દિવસ બાદ સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.