Get The App

વડોદરામાં સાંજે માત્ર એક ઇંચ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા

સવારથી વરસાદી વાતાવરણ બાદ સાંજે ધોધમાર ઃ પાદરા, કરજણ અને ડેસરમાં પણ વરસાદ નોંધાયો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સાંજે માત્ર એક ઇંચ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા 1 - image

વડોદરા, તા.29 વડોદરામાં ચોમાસાની ઋતુમાં આજે પ્રથમ વખત વરસાદ મન મૂકીને વરસ્યો હતો. આખો દિવસ વાદળિયા વાતાવરણ અને ઝરઝર બાદ સમી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આ સાથે જ માત્ર એક ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા લોકો અટવાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન ચાલુ થઇ ગઇ હોવા છતાં વરસાદ નહી જણાતા ગરમી અને ઉકળાટ બંનેનો વધારો થતો હતો. ક્યારે વરસાદ પડશે તેની ચિંતા પણ લોકોને સતાવતી  હતી. તાપમાનનો પારો ઉપર નીચે જતાં શહેર અને જિલ્લાના નાગરિકો હેરાન પરેશાન થતા  હતાં. આજે સવારથી જ વાતાવરણ બદલાયું હતું. વાદળો ઘેરાયા હતાં અને ઝરઝર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ શહેરના માર્ગો પણ ભીના થયા હતા અને વાતાવરણ પણ ઠંડુ બની ગયું હતું.

સાંજ પડતાં જ ભેજનું પ્રમાણ ફરી વધ્યું હતું અને છ વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ શરૃ થઇ ગયો હતો. ભારે વરસાદના પગલે સાંજના સમયે ઓફિસમાંથી ઘર તરફ જતાં લોકો અટવાઇ ગયા હતાં. અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત કેટલાંક રોડ પર પાણી ભરાઇ ગયા  હતાં. સાંજના સુમારે ખાબકેલા વરસાદથી લોકો ખુશખુશાલ થઇ ગયા  હતાં. વાતાવરણ ઠંડુ થતાં રાહત થઇ હતી.

હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી ઘટીના ૩૩.૪ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન ૦.૪ ઘટીના ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું. આજે સવાર સાડા આઠ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકનો વરસાદ માત્ર ૦.૬ મિમી નોંધાયો હતો. સવારે ભેજનું પ્રમાણ ૯૧ ટકા અને સાંજે ૮૧ ટકા  હતું. જ્યારે પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધી માત્ર ૮ મિમી વરસાદ વડોદરામાં વરસ્યો  હતો પરંતુ સાંજે છથી આઠ વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં પાદરામાં ૧૭, કરજણમાં ૩ અને ડેસરમાં ૭ મિમી વરસાદ વરસ્યો હતો.




Google NewsGoogle News