ચાલુ પીકઅપગાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતી થતાં આબરું બચાવવા કૂદી પડી
ચાર છેલબટાઉ શખ્સોથી બચવા રોડ પર કૂદી પડેલી વિદ્યાર્થિનીઓને ઇજા ઃ બેની હાલત ગંભીર
વડોદરા તા.૨ સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર એક ખાનગી પીકઅપગાડીમાં બેસીને ઘેર જતી શાળાની માસૂમ છ વિદ્યાર્થિનીઓની ચાલુ ગાડીમાં જ છેડતી થતાં આબરૃ બચાવવા માટે ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ રોડ પર કૂદી પડતાં તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે કોસીન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ આજે બપોરે કેટલીક વિદ્યાર્થિનીઓ કુંડીયા ગામે જવા માટે કોસીન્દ્રા ગામના બસ સ્ટેન્ડ પર ઊભી હતી. બસની લાંબો સમય રાહ જોવા છતાં બસ આવી ન હતી. આ વખતે ત્યાંથી પસાર થતી એક ખાનગી પીકઅપજીપના ડ્રાઇવરે પોતાની ગાડી ઊભી રાખતાં વિદ્યાર્થિનીઓ ઘેર જવા માટે ગાડીમાં પાછળની સાઇડ પર બેસી ગઇ હતી.
પીક્અપ જીપમાં આગળની કેબિનમાં ડ્રાઇવર સહિત ત્રણ તેમજ પાછળ બે અન્ય વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થિનીઓ બેસી ગયા બાદ ડ્રાઇવરે ગાડી પૂરપાટઝડપે ભગાવી હતી. આ વખતે ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઇડ પર આવી હતી. આમ પાછળ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને શાળાના યુનિફોર્મમાં ઘેર જઇ રહેલી વિદ્યાર્થિનીના શરીરના ભાગે અડપલા કરવાનું શરૃ કર્યું હતું. ચાલુ ગાડીમાં જ છેડતી થતાં વિદ્યાર્થિનીઓ હેબતાઇ ગઇ હતી અને ઇજ્જત લૂંટાઇ જવાની બીકે તમામ છ વિદ્યાર્થિનીઓએ બૂમાબૂમ શરૃ કરી હતી.
વિદ્યાર્થિનીઓની આ બૂમાબૂમ સાંભળી ડ્રાઇવરે વધુ સ્પીડથી ગાડી ભગાવી હતી જેથી ગભરાઇ ગયેલી છ વિદ્યાર્થિનીઓ એક સાથે ચાલુ પીકઅપ ગાડીમાંથી કૂદકો મારી દેતા રોડ પર પટકાઇ હતી. બાદમાં પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડી ભગાવી દીધી હતી. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે નસવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં બે વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર જણાતા બંનેને અન્ય હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. વાલીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ હોસ્પિટલમાં ઉમટી પડયા હતા જ્યારે પોલીસે પણ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.