કમાટીબાગમાં સહેલાણીઓ માટે જોય ટ્રેન આવતીકાલથી દોડતી થશે
વડોદરામાં જાન્યુઆરી મહિનામાં હરણી તળાવ ખાતે હોડી દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં ચાલતી જોય ટ્રેન સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. આશરે અઢી ત્રણ મહિના પછી જોય ટ્રેન ચાલુ કરવા કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજે ગુરુવારે આમ પણ રજાનો દિવસ હોય છે એટલે ટ્રેન આવતીકાલથી શરૂ કરી દેવાશે. આજે ટ્રેનની સાફ-સફાઈ કરવામાં આવી હતી અને ટ્રાયલ પણ લઈ લીધી હતી.
આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી ટ્રેન કમાટીબાગના સહેલાઈઓ માટે દોડતી થઈ જશે .ટ્રેન બાગમાં એક ચક્કર કાપતા આશરે ૧૫ થી ૨૦ મિનિટનો સમય લે છે .સામાન્ય દિવસોમાં ટ્રેનના સાત ફેરા થાય છે ,જ્યારે રજાના અને રવિવારના દિવસે દસ ફેરા થાય છે . ઉનાળા માં વેકેશન દરમિયાન કમાટીબાગમાં બહારથી ફરવા આવતા સહેલાણીઓનો ઘસારો વધુ રહે છે. આ સહેલાણીઓ જોય ટ્રેનમાં અચૂક મુસાફરી કરી આનંદ લેતા હોય છે. હાલ સહેલાણીઓ કમાટી બાગમાં ફરવા આવવા શરૂ થઈ ગયા છે, અત્યાર સુધી ટ્રેન બંધ હોવાથી સહેલાણીઓ નિરાશ થઈ પરત જતા હતા. હોડી દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ ટ્રેનના ટ્રેક અને ટ્રેનના ફિટનેસ સર્ટિફિકેટ વગેરે માગ્યા હતા. આ તમામ સર્ટિફિકેટ ની કોર્પોરેશનમાં પૂર્તતા કરી દેવામાં આવી હતી .જેના આધારે ટ્રેન ફરી ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે.