પિતરાઈ બહેનના સગાઈ પ્રસંગે નોઈડા ગયેલા મેનેજરના ઘરમાંથી 4.96 લાખના દાગીનાની ચોરી
- પિતરાઈ બહેનની સગાઈમાં મકાન બંધ કરીને દિલ્હી ગયેલા એલ.એન્ડ.ટી કંપનીના ડિઝાઇન મેનેજરના ઘરમાંથી ચોર ટોળકી 4.96 લાખના સોના ચાંદીના દાગીના લઈ ગઈ હતી.
વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરા થી વાઘોડિયા તરફ જવાના રોડ પર ખટંબા ગામની સીમમાં સેફરોન રેસીડેન્સીમાં રહેતા સત્યમકુમાર બલરામભાઈ ઠાકોર એલ.એન્ડ.ટી કંપની નોલેજ સિટીમાં ડિઝાઇન મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગત 23 ની તારીખે રાત્રે 10:30 વાગે તેઓ પરિવાર સાથે મકાન બંધ કરીને પિતરાઈ બહેનની સગાઈ પ્રસંગે દિલ્હીના નોઈડા ખાતે ગયા હતા તે દરમિયાન પાડોશીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરી હતી. તેમના ઘરના સીસીટીવીમાં ત્રણ ચોર ચોરી કરવા જતા અને ચોરી કરીને બહાર નીકળતા દેખાતા હતા. ચોરીની જાણ થતા તેઓ દિલ્હી થી પરત વડોદરા આવ્યા હતા અને ઘરમાં જઈને જોયું તો મુખ્ય દરવાજાની સેફટી ગ્રીલનું તાળું બંધ હતું પરંતુ તાળું બંધ કરવાનો નકુચો તૂટેલો હતો. મકાનમાં તપાસ કરતા ત્રણ ચોર 27મી તારીખે સવારે 4:37 થી 4:45 ની વચ્ચે ઘરમાં ઘૂસ્યા હતા અને સોનાના 87 ગ્રામ વજનના દાગીના તથા ચાંદીના અઢીસો ગ્રામ દાગીના મળી કુલ 4.96 લાખના દાગીના લઈ ગયા હતા.