હાઇવે પરની હોટલના પાર્કિંગમાં વડોદરાની મહિલા લઘુશંકા માટે નીચે ઉતરી અને બસમાંથી દાગીના ગાયબ
સુરતથી ખાનગી બસમાં પરત ફરતી મહિલાનાં દાગીના અને રોકડ મૂકેલ પાકિટની ઉઠાંતરી થતાં પોલીસ તપાસ
કરજણ તા.૨૫ સુરતથી અમદાવાદ જતી એક લકઝરી બસમાં બેસેલી વડોદરાની મહિલા મુસાફર કરજણ હાઇવે પરની એક હોટલમાં બસ ઊભી રહેતાં લઘુશંકા માટે નીચે ઉતરી ત્યારે કોઇ ગઠિયો બસમાં મૂકેલા થેલામાંથી રૃા.૧.૬૫ લાખ કિંમતના દાગીના ઉઠાવી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં વાઘોડિયા ચોકડી, હિમાલય પાર્ટી પ્લોટ સામે આવેલ કાન્હા આંગણ રેસિડેન્સીમાં રહેતાં ગોદાવરીબેન મેઘજીભાઈ વાટલીયા (ઉ.વ.૬૦) ગત તા.૧૭ ના રોજ સુરત ખાતે તેમના સબંધીને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપી સુરતથી અમદાવાદ જતી બાબા લકઝરી બસમાં બેસી પોતાના ઘરે વડોદરા પરત આવી રહ્યાં હતાં. ગોદાવરીબેન બસમાં પાછળના ભાગના સોફા ઉપર બેઠા હતાં. જ્યાં અન્ય મુસાફરો બેસેલા હતા અને જગ્યા ઓછી હોવાથી પોતાના બે થેલા-સામાન બસની વચ્ચેની ગેલેરીમાં મૂક્યા હતાં.
કરજણ તાલુકાના ને.હા.૪૮ પર પાલેજ ગામ પસાર કરી વલણ ગામ નજીક આવેલ બાબા રામદેવ હોટલ પર સવારના સમયે લક્ઝરી બસના ચાલકે પોતાની બસ હોલ્ટ કરી હતી. ત્યારે ગોદાવરીબેન બસમાંથી ઉતરી વોશરૃમ માટે ગયા હતાં. વોશરૃમ કરી પરત બસમાં આવ્યા ત્યારે એક થેલાની ચેન ખુલ્લી જોતા તપાસ કરતાં થેલામાં કપડાંની વચ્ચે પાકીટમાં મૂકેલ મંગળસૂત્ર તેમજ રોકડા રૃપિયા ગાયબ હતાં. ચોરીની જાણ તેમણે પતિ, પુત્ર અને કરજણ પોલીસને કરતાં તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં.
લક્ઝરી બસમાં બેસેલ મુસાફરોનો સામાન તેમજ બસમાં તપાસ કરતાં પાકિટ મળી નહિ આવતાં પોલીસે રૃ.૧.૬૦ લાખનું મંગળસૂત્ર તેમજ રૃ.૫૫૦૦ રોકડા મળી કુલ મુદ્દામાલ કિંમત રૃ.૧૬૫૫૦૦ની મત્તા ચોરી થઇ હોવાની ફરિયાદ ગોદાવરીબેને નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.