પ્રતાપનગર વિસ્તારના નવગ્રહ એપાર્ટમેન્ટમાં પોણો કલાકમાં રૃા.૨.૨૭ લાખની ચોરી
બેડરૃમની તિજોરીનું ચોરખાનું તોડી સોનાના દાગીના અને રોકડ ચોરો ઉઠાવી ગયા
વડોદરા, તા.3 મહારાષ્ટ્રથી આવેલા માસા અને માસીને મકરપુરામાં લેવા માટે વહેલી સવારે ગયેલી યુવતી પોણો કલાકમાં માસા અને માસીને લઇને પરત ફરી તો ઘરમાં જાળી અને દરવાજો તોડી બેડરૃમમાં મૂકેલી તિજોરીનું ચોરખાનું તોડી ચોરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૨.૨૭ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.
પ્રતાપનગર વિસ્તારમાં નવગ્રહ એપાર્ટમેન્ટમાં રહેતા અનિલ ભીખનભાઇ પાટીલ ડ્રાઇવિંગ કરે છે. તા.૨૬ના રોજ તેઓ પત્ની વંદનાબેન સાથે મહારાષ્ટ્રના પાચોરા ખાતે ગયા હતાં અને તા.૩૦મીએ વહેલી સવારે તેઓ પરત ફર્યા ત્યારે ટ્રાવેર્લ્સની બસે બંનેને મકરપુરા ડેરી સર્કલ પાસે ઉતાર્યા હતાં. આ વખતે તેમના ઘેર રહેતી વંદનાબેનની બહેનની પુત્રી જ્હાનવીને ફોન કરી ડેરી સર્કલ પાસે લેવા માટે બોલાવી હતી.
સવારે સવા ચાર વાગે જ્હાનવી લોખંડની જાળીવાળો દરવાજો બંધ કરી તાળુ મારી મોપેડ લઇ ડેરી સર્કલ પાસે ગઇ હતી અને જ્હાનવી માસા અને માસીને લઇને ઘેર પાંચ વાગે આવી ત્યારે જાળી અને દરવાજો ખુલ્લો હતો અને બેડરૃમમાં મૂકેલી તિજોરી પણ ખુલ્લી હતી. તિજોરીનું ચોરખાનું પણ ખુલ્લું જણાયું હતું. આ ચોરખાનામાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન સહિતના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૨.૨૭ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે અનિલ પાટીલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.