સરગાસણની વસાહતમાં મકાનમાંથી રૃા.૨૧.૪૧ લાખના દાગીનાની ચોરી
ગાંધીનગરમાં તસ્કરોનો વધતો જતો તરખાટ
ઘરમાં ચોરી કરવા માટે આવેલો ચોર કેમેરામાં કેદ થયો : ઇન્ફોસિટી પોલીસ દ્વારા તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે સરગાસણની સંગાથ ટેરેસ વસાહતના મકાનમાં ત્રાટકેલા તસ્કરે મકાનમાંથી ૨૧.૪૧ લાખ રૃપિયાના દાગીના ચોરી લીધા હતા. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગરમાં શિયાળાની ઠંડી પહેલાં તસ્કરો પ્રવેશી ચૂક્યા છે ત્યારે શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં સરગાસણમાં આવેલી સંગાથ ટેરેસ વસાહતમાં રહેતા કલ્પનાબેન જીગરભાઈ પંડયા અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત રવિવારના રોજ તેમણે કડવા ચોથનું વ્રત રાખ્યું હતું. બેડરૃમનાં કબાટમાં બનાવેલ ડ્રોવરમાં દાગીના મૂકી રાખ્યા હતા. જેની ચાવી કબાટની નીચેના ડ્રોવરમાં મૂકી હતી. કલ્પનાબેને ડ્રોવર ખોલતા અંદર દાગીનાના બોક્સ વ્યવસ્થિત સ્થિતિમાં હતા પરંતુ અંદરથી દાગીના ગાયબ હતા. જેમાં સોનાના ત્રણ સેટ, ગળામાં પહેરવાની સોનાની ચેન સાદી ડીઝાઇન વાળી હાથમાં પહેરવાના બ્રેસલેટ બંગડી ભાતના નંગ-૨, એક હાથમાં પહેરવાનો સોનાનો બ્રેસલેટ રેબીટ ડીઝાઇન લોકવાળો, વીંટી, બંગડી, હાથમાં પહેરવાનો પોચો, સોનાના વરખ ચડાવેલ પ્લાસ્ટિકની બંગડી, સોનાનું બ્રેસલેટ, સોનાની બે ચેન મળીને કુલ રૃ. ૧૫.૮૯ લાખના દાગીના હતા. જે બાબતે કલ્પનાબેને સાસુને વાત કરતા તેઓએ પણ તેમના રૃમના કબાટ ચેક કર્યા હતા. જેમાથી પણ ગળામાં પહેરવાનું સોનાનું ડોકીયું, સોનાની ચેન, સોનાનું કડું, સોનાની વાળી, બે સોનાની વિટ્ટી, ત્રણ સોનાની સાદી બંગડી કુલ રૃ. ૫.૪૫ લાખના દાગીના તેમજ ૧૦ હજાર રોકડા રૃપિયા ચોરાયાનું જણાયું હતું. જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને તપાસ કરતા એક ચોર સીસીટીવીમાં કેદ પણ થયો હતો.