મોટી આદરજમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી ૪.૭૭ લાખના દાગીનાની ચોરી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
મોટી આદરજમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી ૪.૭૭ લાખના દાગીનાની ચોરી 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

સીસીટીવીમાં ચોરી કરવા માટે રાત્રે અઢી વાગે આવેલા બે તસ્કરો કેદ થયા : પેથાપુર પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે મોટી આદરજમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડીને તસ્કરો ૪.૭૭ લાખના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

રાજીના પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં જ્વેલર્સની દુકાનને નિશાન બનાવવામાં આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના પાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોટી આદરજમાં જ્વેલર્સની દુકાન ધરાવતા આનંદકુમાર નંદલાલ સોનીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત મંગળવારના રોજ તેઓ તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારે બીજા દિવસે સવારના સમયે તેમના મિત્ર પ્રહલાદજી ઠાકોરે ફોન કરીને જાણ કરી હતી કે, તમારી દુકાનમાં ચોરી થવા પામી છે. જેના પગલે તેઓ તુરત જ મોટી આદરજ ગામે પહોંચ્યા હતા જ્યાં જોયું તો દુકાનનું શટર તૂટેલી હાલતમાં હતું અને તેમાં રહેલા ૪.૭૭ લાખ રૃપિયાની કિંમતના ચાંદીના દાગીના ચોરાયા હતા. દુકાનમાં રહેલા સીસીટીવીમાં તપાસ કરતા મોડી રાત્રે ૨થ૩૦ વાગે બે જેટલા તસ્કરો દ્વારા મોઢે રૃમાલ બાંધીને ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં શરૃ થયેલી ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે હવે યોગ્ય પેટ્રોલીંગ કરવાની તાતી જરૃરિયાત લાગી રહી છે.


Google NewsGoogle News