Get The App

JEE MAIN RESULT : વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-200માં, રેન્કર વિદ્યાર્થીઓએ શું કહ્યુ...

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
JEE MAIN RESULT : વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-200માં, રેન્કર વિદ્યાર્થીઓએ શું કહ્યુ... 1 - image


JEE MAIN RESULT : આઈઆઈટી સહિતની જાણીતી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી જેઈઈ મેઈન પરીક્ષાના બીજા એટેમ્પનુ પરિણામ બુધવારે મોડી રાતે જાહેર થયુ છે. વડોદરામાંથી ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-200 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે.

વડોદરાના કાર્તિક બસંતે 99.99 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 71મો ક્રમે મેળવ્યો છે. ગણિત વિષયમાં તેણે 100માંથી 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. પહેલા પ્રયાસમાં પણ તેના 99.99 પર્સેન્ટાઈલ આવ્યા હતા. કાર્તિકે કહ્યુ હતુ કે, અત્યારે તો હું જેઈઈ એડવાન્સની તૈયારી કરી રહ્યો છું. આ માટે મોક ટેસ્ટ આપવા બહુ જરૂરી છે. વેકેશનનો ભોગ આપવો પડયો છે પણ કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કશુંક તો જતુ કરવુ પડે છે. અભ્યાસ દરમિયાન હું 30 મિનિટનો બ્રેક લઈને ગાર્ડનમાં ચાલવાનુ તથા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર નહીં પણ તેમને મળીને વાત કરવાનુ પસંદ કરુ છું. મારું માનવુ છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ પર તમારુ પોતાનુ નિયંત્રણ હોવુ જોઈએ. જો તે આદત બની જાય તો કેરિયરને નુકસાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાર્તિક બસંત પોતાની પાછળ પોતાની માતા સુલોચનાબેનનુ નામ લખાવે છે. તેનુ માનવુ છે કે, બાળકોના ઘડતરમાં માતાનો બહુ મોટો ફાળો હોય છે. 

આ પણ વાંચો : JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા, કોટાનો નીલકૃષ્ણ ટોપર

સુભાનપુરા વિસ્તારમાં રહેતા વડોદરાના અન્ય એક વિદ્યાર્થી ધ્યેય ઠુમ્મરે 99.99 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 148મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેણે કહ્યુ હતુ કે, જેઈઈ મેઈનના બીજા પ્રયાસ માટે તો મેં તૈયારી જ નહોતી કરી. હું જેઈઈ એડવાન્સ પરીક્ષાના અભ્યાસ પર જ ધ્યાન આપી રહયો છું. એડવાન્સ પરીક્ષા માટે ખાસ તો અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરવા જરૂરી છે. કોમ્પ્યુટરમાં મને પહેલેથી જ રસ છે અને નવમા ધોરણથી હું પ્રોગ્રામિંગ શીખી રહ્યો છું. આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગુ છું.

સુભાનપુરામાં જ રહેતા વરુણ ભીમાણીએ પણ 99.99 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 179મો ક્રમ મેળવ્યો છે. વરુણે કહ્યુ હતુ કે, છેલ્લા ચાર વર્ષથી મારા ઘરમાં ટીવી બંધ છે. ક્રિકેટ પણ મેં કેટલાક સમયથી જોવાનુ છોડી દીધુ છે. મારુ સંપૂર્ણ ધ્યાન હાલમાં જેઈઈ એડવાન્સની તૈયારી પર છે. આ માટે હું રોજ 10 કલાકનો અભ્યાસ કરી રહ્યો છું. આશા છે કે, એડવાન્સમાં પણ હું ઓલ ઈન્ડિયા રેન્ક મેળવી શકીશ. સફળતા માટે પોતાની જાતે જ મોટિવેટ થવુ પડે છે. અન્ય કોઈ તમને મોટિવેટ કરી શકે નહીં.


Google NewsGoogle News