Get The App

લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના પાસના નામે છેતરપિંડી કરનાર સુભાનપુરાનાે જય પ્રજાપતિ પકડાયો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના પાસના નામે છેતરપિંડી કરનાર સુભાનપુરાનાે જય પ્રજાપતિ પકડાયો 1 - image

વડોદરાઃ લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના પાસ કઢાવી આપવાના નામે રૃ.૩.૭૫ લાખની ઠગાઇ કરનાર જય પ્રજાપતિ નામના યુવકને ગોરવા પોલીસે ઝડપી પાડયો છે.

માંજલપુર દરબાર ચોકડી પાસે આસ્થા ડુપ્લેક્સમાં રહેતા કનિષ્કકુમારસિંહ જાડેજાએ પોલીસને કહ્યું હતું કે,મારા મિત્ર વૃત્તિક અને પ્રથમ મારફતે જય પ્રજાપતિનો પરિચય થયો હતો.જયે ગયા વર્ષે લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના પાસ કઢાવી આપ્યા હોવાથી આ વખતે પણ તેણે સેટિંગ કરી આપવાનું કહ્યું હતું.

જય પ્રજાપતિએ પાસ દીઠ રૃ.૩૫૦૦ માંગ્યા હતા.જેથી આ રકમ વ્યાજબી લાગતાં મેં તેને ૫૯ પાસ માટે રૃ.૨.૦૭ લાખ ચૂકવ્યા હતા.આ ઉપરાંત વિશાલ સોલંકી(મંગલમ પાર્ક,ગોત્રી)એ પણ જય પ્રજાપતિને રૃ.૧.૧૫ લાખ તેમજ નક્ષત્ર પારેખે(અરૃણાચલ સોસાયટી,સુભાનપુરા)પણ તેને રૃ.૫૨૫૦૦ ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

યુવકે કહ્યું છે કે,જય પ્રજાપતિએ અમને તા.૨૬મીએ પાસ મળી જશે તેમ કહ્યું હતું.પરંતુ ત્યારબાદ તેણે નવરાત્રીના આગલા દિવસ સુધીગોળગોળ જવાબ આપ્યા હતા.આજ સુધી અમને પાસ નહિ મળ્યા નથી કે રૃપિયા પણ પરત મળ્યા નથી.ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ ફરિયાદને આધારે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા જય કનુભાઇ પ્રજાપતિ(જલારામ મંદિર પાસે, સુભાનપુરા)ને ઝડપી પાડી રિમાન્ડ પર લીધો છે.

ગરબા પાસના નામે ઠગાઇની ફરિયાદ કરનાર જ આરોપી,ઠગાઇની રકમ હજી વધશે

ગરબાના પાસના નામે ઠગાઇની અરજી આપ્યા બાદ જય પોલીસ સામે આવતો નહતો

ગરબાના પાસના નામે ઠગાઇની ફરિયાદ કરનાર જય  પ્રજાપતિએ ગોરવા પોલીસમાં તેની સાથે છેતરપિંડી થયાની અરજી આપી હતી.પરંતુ તે પોતે જ આ કેસનો આરોપી બન્યો છે.

જય પ્રજાપતિએ ગોરવા પોલીસને આપેલી અરજીમાં લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના ૧૦૪ પાસ કઢાવી આપવાના નામે રાજ નામની વ્યક્તિએ રૃ.૪ લાખથી વધુ રકમ પડાવી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જો કે ગોરવા પોલીસના પીઆઇએ તપાસ કરી જય ને જવાબ માટે બોલાવતાં તે આવતો નહતો.પોલીસ પાસે આ કેસ બાબતે બીજી ફરિયાદ આવતાં જય પોતે જ આરોપી બન્યો હતો.જય દ્વારા ઉઘરાવવામાં આવેલી રકમ હજી પણ વધે તેમ છે.


Google NewsGoogle News