વડોદરાની મહિલા પોલીસને ફાળવેલી વાનમાં દારૃની પાર્ટી કરતો જમાદાર સસ્પેન્ડ
વડોદરાઃ વડોદરા શહેરની મહિલા પોલીસને ફાળવેલી વાનમાં દારૃની મહેફિલ માણતા હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મુજમહુડા રોડ પર હનુમાનજી મંદિર પાસે પોલીસની વાનમાં કેટલાક લોકો દારૃની પાર્ટી કરી રહ્યા હોવાથી ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ફોન કરી જાણ કરતાં જે પી રોડ પોલીસના ઇન્ચાર્જ પીઆઇ સંદિપ વેકરીયાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
પોલીસે વાનના ડ્રાઇવર નવદિપસિંહ ઉપરાંત તેના બે મિત્રો માનવ પુરુષોત્તમ કહાર (ફતેપુરા,ભોઇવાડા) અને સાકીર કાદરભાઈ મણિયાર (આરિફ નગર,તાંદલજા) ને ઝડપ પાડી પીધેલાનો કેસ કર્યો હતો.
પોલીસ કમિશનરે આ બનાવની ગંભીર નોંધ લેતાં હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ખાતાકીય તપાસ પણ ચાલુ રાખવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં જે પી રોડની શી ટીમને ફાળવેલી વાનમાં મહિલા પોલીસની ડયુટી પુરી થઇ જતાં ડ્રાઇવર વાન લઇને નીકળી ગયો હોવાની વિગતો બહાર આવી છે.