વડોદરાના જૈન ઉદ્યોગપતિએ સંસારની માયા છોડી દીક્ષા લીધી
વડોદરાઃ વડોદરાના જૈન ઉદ્યોગપતિને રાજસ્થાનના સાંચોર ખાતે યોજાયેલા એક સમારોહમાં આજે દીક્ષા આપવામાં આવી હતી.
વડોદરાના જૈન ઉદ્યોગપતિ બાબુલાલજી બુરડ ઝઘડિયા તથા મુંબઈ ખાતે ફાર્મા કંપનીન ઈક્વિપમેન્ટ બનાવવાની કંપની ચલાવતા હતા.આ દરમિયાન તેઓ મુંબઈ ખાતે પરમ પૂજય આચાર્ય શ્રી શ્રેયાંસપ્રભસૂરી મહારાજના સંપર્કમાં આવ્યા હતા.ત્રણ વર્ષ પહેલા આચાર્ય શ્રી શ્રેયાંસપ્રભસૂરી મહારાજ વડોદરા ખાતેના અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા ત્યારે બાબુબાલજીને દીક્ષાનો ભાવ થયો હતો.તેમણે ગુરુદેવ સાથે વિહાર પણ કર્યો હતો અને આ દરમિયાન તેમને દીક્ષા આપવાનુ યોગ્ય ગણ્યુ હતુ અને મહારાજશ્રીએ તેમને દિક્ષાનુ મુહૂર્ત આપ્યુ હતુ.
જૈન આગેવાન દિપક શાહના કહેવા પ્રમાણે રાજસ્થાનના સાંચોર ખાતે એક સમારોહમાં આજે સવારે બાબુલાજીને આચાર્ય શ્રી શ્રેયાંસપ્રભસૂરી મહારાજે ઓઘો આપતા મુમુક્ષુ બાબુલાલજી આનંદથી નાચી ઉઠયા હતા.એ પછી લોચ કરીને મંડપમાં તેઓ સાધુ વેશે પધાર્યા હતા ત્યારે દીક્ષાર્થી અમર રહોના નારા સાથે મંડપ ગૂંજી ઉઠયુ હતુ.આચાર્ય ભગવંતે બાબુલાલજીનુ નવુ નામ મુનિરાજ સત્યદર્શન વિજયજી પાડયુ હતુ અને હાજર રહેલા ભાવિકોએ નવા નામને વધાવી લીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય શ્રી શ્રેયાંસપ્રભસૂરી મહારાજના હસ્તે ૨૧૫મી દીક્ષા આપવામાં આવી છે.અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહનુ કહેવુ છે કે, દીક્ષા સમારોહમાં હાજર રહેવા માટે વડોદરાથી ૧૫૦ ભાવિકો રાજસ્થાન ગયા હતા.દિક્ષા પહેલા સાંચોરના રસ્તા પર વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.
નૂતન દિક્ષિત મુનિરાજ સત્યદર્શન વિજયજીના સંસારી પુત્ર વિમલભાઈ શાહે કહ્યુ હતુ કે, મુનિરાજ સત્યદર્શન વિજયજી હવે આચાર્ય શ્રી શ્રેયાંસપ્રભસૂરી મહારાજ સાહેબ સાથે હિડેચા દરફ વિહાર કરશે અને ૧૩ માર્ચે ગુજરાતમાં આણંદ ખાતે પહોંચશે.અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહના કહેવા પ્રમાણે આણંદ ખાતે તેમની વડી દીક્ષા યોજાશે.