ડોકી ગામની સબ જેલના અધિક્ષક રૃા.૩ હજારની લાંચમાં ઝડપાયા
હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થતા સબ જેલનો શેરો મારવા ફિરોજખાને રૃા.૧૦ હજાર માંગી રૃા.૭ હજાર અગાઉ પડાવ્યા હતાં
દાહોદ તા.૨૮ દાહોદ તાલુકાના ડોકી ગામની સબજેલના ઈન્ચાર્જ જેલ અધિક્ષક આરોપીના જામીન કોર્ટમાં મંજૂર થયા બાદ સબ જેલનો શેરો મારવા રૃા.૧૦ હજાર પૈકી રૃા.૩ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં.
લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ દાહોદ ખાતે નોંધાયેલા એક ગુનામાં બે ભાઇઓની ધરપકડ થઈ હતી. એક ભાઇ ્અગાઉ જામીન પર મુક્ત થયો હતો જ્યારે બીજા ભાઇના તા.૪ના રોજ હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થયાં હતાં. જામીન મંજૂર થયા બાદ જેલમાંથી છોડાવવા માટે દાહોદના ડોકી સબજેલનો શેરો મરાવવો જરૃરી હોઈ જેલમાં કેદ આરોપીનો ભાઇ દાહોદના ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયો હતો ત્યારે દાહોદના ડોકી ગામે સબ જેલમાં ઈન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવતાં ફિરોજખાન સમસુદ્દીન મલેકે જણાવ્યું હતું કે, તમારા ભાઈને જેલ મુક્ત કરવાના રૃા.૧૦ હજાર આપવા પડશે.
જે તે સમયે રૃા.૭ હજાર હતાં તે રકમ જેલ અધિક્ષકને આપી દીધી હતી અને બાકીની રકમ રૃા.૩ હજાર તા.૨૮ના રોજ આપવા જણાવ્યું હતું. લાંચની આ રકમ આપવી નહી હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન પંચમહાલ એસીબીના પીઆઇ આર.બી. પ્રજાપતિ અને સ્ટાફે દાહોદના ડોકી ગામે સબ જેલ ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. સબ જેલના ઈન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન સમસુદ્દીન મલેકે લાંચની બાકીની રકમ સ્વીકારતાં જ એસીબીએ ફિરોજખાનને રંગે હાથ ઝડપી પાડયા હતાં.