હરણી સમા લિંક રોડ પરની જય અંબે સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સ્કૂલ બસના સંચાલક પર હુમલો
સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારના પગલે મારામારી
વડોદરા, હરણી સમા લિંક રોડ પર આવેલી જય અંબે સ્કૂલના વિદ્યાર્થીએ સ્કૂલ બસના સંચાલક પર પાવડાથી હુમલો કર્યો હતો. જે અંગે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ પર રહેતો ૨૧ વર્ષનો ઓમ સુનિલભાઇ અગ્રવાલ છેલ્લા પાંચ મહિનાથી સ્કૂલ બસ ચલાવે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે સાત વાગ્યે હું મારી બસ લઇને જય અંબે સ્કૂલના છોકરાઓને મૂકીને સ્કૂલની બહાર ઉભો હતો. સાડા અગિયાર વાગ્યે સ્કૂલ છૂટતા હું મારી બસમાં આવતા વિદ્યાર્થીને લેવા માટે ગેટની અંદર ગયો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેના કારણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી અને તેના ભાઇએ મારી સાથે તકરાર કરી હતી. જેથી, મેં ગાડીના માલિક જયેશ ધુળાભાઇ ભરવાડને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ આવ્યા પછી બંને ભાઇઓએ તેમની સાથે પણ તકરાર કરી હતી. સગીર વયના વિદ્યાર્થીએ નજીકમાં પડેલો પાવડો ઉંચકીને જયેશભાઇને મારી દેતા તેઓને ઇજા થઇ હતી. હરણી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.