જાડેજા ફાર્મમાં તપાસ ફાર્મની બહાર દારૃ પીધેલા વડોદરાના ત્રણ ઝડપાયા

નિવૃત્ત ડીવાયએસપીના ફાર્મમાં દારૃની મહેફિલની બાતમીના આધારે રાત્રે પોલીસની રેડ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
જાડેજા ફાર્મમાં તપાસ  ફાર્મની બહાર દારૃ પીધેલા વડોદરાના ત્રણ ઝડપાયા 1 - image

વડોદરા, તા.29 વડોદરા નજીક પીલોલ-કલ્યાણપુરા ગામની સીમમાં નિવૃત્ત ડીવાયએસપીના જાડેજા ફાર્મમાં પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ફાર્મની બહાર વડોદરાના ત્રણ શખ્સો ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસે કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુરા ગામની સીમમાં પીલોલરોડ પર આવેલા જાડેજા ફાર્મમાં દારૃની મહેફિલ ચાલે છે તેવી બાતમીના આધારે મંજુસર પોલીસ મોડીરાત્રે રેડ કરવા પહોંચી હતી. દરમિયાન ફાર્મના ગેટ પાસે ત્રણ શખ્સો દારૃ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં. પોલીસે કેમિકલ કંપનીમાં નોકરી કરતાં ગૌરવ પ્રકાશભાઇ છુગાની (રહે.હેમદીપ ટાવર, ફતેગંજ પોસ્ટઓફિસ પાછળ), ફર્નિચરના વેપારી યશવીર અજીતસિંહ ગાયકવાડ (રહે.સાર્થી, પશાભાઇપાર્ક, રેસકોર્ષ સર્કલ) અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પરવેઝ હુસેનભાઇ રાઠોડ (રહે.શોભનાનગર-૧, વાસણારોડ)ની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી.

પોલીસે બાદમાં જાડેજા ફાર્મમાં પણ તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું. પોલીસે જણાવ્યું હતું કે નિવૃત્ત પોલીસ અધિકારી ભગીરથસિંહ જાડેજાનું જાડેજા ફાર્મ છે જ્યાં દારૃની મહેફિલ ચાલે છે તેવી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી.




Google NewsGoogle News