પ્રાથમિક શાળાઓમાં બાળકો તથા શિક્ષકોની હાજરી ઓનલાઇન અપડેટ કરવી ફરજીયાત
નિયમોનું પાલન કરાવવા તાકીદ
શૈક્ષણિક કાર્ય સમયપત્રક મુજબ જ કરાવવામાં આવે તેવું આયોજન શાળામાં થાય તે જોવાની જવાબદારી મુખ્ય શિક્ષકની નિયત કરાઇ
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગની શાળાઓમાં ફરજ પરના
શિક્ષકની રોજે રોજની ઓનલાઇન હાજરી ફરજિયાત પુરવાની બાબતે સ્પષ્ટ તાકીદ કરાઇ છે.
પ્રાથમિક શાળામાં નોંધાયેલા બાળકોની હાજરીનું પત્રક રોજ અપડેટ કરવાની અને ઓનલાઇન
હાજરી પુરવાની જવાબદારી વર્ગ શિક્ષકની નિયત કરવાની સાથે બન્ને હાજરી પત્રકમાં
મુખ્ય શિક્ષકની સહિ કરવાની રહેશે. બાળકોને ભણાવવાની વાતે વ્યાપક લાલિયાવાડી ચાલતી
હોવાની વાતો સમયાંતરે પ્રકાશિત થાય છે. ત્યારે શિક્ષણ તંત્રના અધિકારી સુત્રોએ
જણાવ્યું કે શિક્ષકોની હાજરીનું પત્રક નિયત નમુનામાં જ નિભાવવાનું છે અને તેમાં
દરેક શિક્ષકે ફરજિયાત હાજરી પુરવાની છે. ત્યાર બાદ તે હાજરી પત્રકમાં મુખ્ય
શિક્ષકે ચકાસણી બદલ સહિ કરવાની છે. આ પ્રકારે બાળકોનું હાજરી પત્રક પણ નિભાવવાનું
છે અને તેને દરરોજ અપડેટ કરવાનું ફરજિયાત છે. સાથે જ ઓનલાઇન હાજરી પુરવાની
પ્રક્રિયા બિનચૂક કરવા જણાવાયું છે.
શાળામાં અભ્યાસકાર્યના સંબંધમાં તમામ શાળાએ સમય પત્રક તૈયાર
કરવાનું છે. દરેક વર્ગનું સમય પત્રક જે તે વર્ગમાં વિદ્યાર્થીઓ જોઇ, વાંચી શકે તેમ
લગાડવાનું રહેશે અને શાળાનું શૈક્ષણિક કાર્ય સમય પત્રક મુજબ જ થાય તેવું આયોજન
મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. તેવી જ રીતે દૈનિક
નોંધપોથી તમામ શિક્ષકે સમયસર તૈયાર કરીને મુખ્ય શિક્ષક પાસે તેને પ્રમાણિત
કરાવવાની રહેશે અને તેના મુજબ વર્ગ ખંડમાં અધ્યયન કરાવવામાં આવે તે બાબત મુખ્ય
શિક્ષકે જોવાનું રહેશે.