વિકૃત માનસિકતા ધરાવતા તેમજ યુવતીઓના શોખીન અજય વાળાનો ભોગ અનેક લોકો બન્યા હોવાની આશંકા
અજયનો ભોગ બનેલી વ્યક્તિઓ ફરિયાદ આપશે તો પોલીસ રક્ષણ આપશે ઃ રાજ્યભરની પોલીસને જાણ કરવામાં આવી
વડોદરા, તા.23 યુવતીઓ તેમજ મહિલાઓ સાથે મિત્રતા કરી અવાવરૃ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ કરી તેમજ જો કોઇ મહિલા પ્રતિકાર કરે તો હત્યા કરી રૃપિયા અને દાગીનાની લૂંટ કરવાની વિકૃત માનસિકતા ધરાવતા અજય ઉર્ફે અનિલ વાળાની માયાજાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા સાથે વરણામા પોલીસે રાજ્યભરની પોલીસને જાણ કરી છે તેમજ મહિલાઓને પણ તેની વિરુધ્ધ ફરિયાદ આપવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકાના કંડારીમાં રહેતી મહિલાને પોર ગામ પાસેથી પોતાની થાર જીપમાં લિફ્ટ આપીને તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને મહિલાને ઢોર માર મારી તેના દાગીના અને રોકડ લૂંટી લેવાની ફરિયાદ બાદ જિલ્લા પોલીસે ૩૦ વર્ષના અજય ઉર્ફે અનિલ હિરાભાઇ વાળા (રહે.ન્યુ નકબંગ સો., નવાનરોડા, અમદાવાદા, મૂળ કીડી કરિયાણા, તા.બાબરા, જિલ્લો અમરેલી)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઇલફોન કબજે કર્યા હતાં.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં અજય ઉર્ફે અનિલ વાળા વિકૃત માનસિકતા ધરાવતો રીઢો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ યુવતીઓ અને મહિલાઓ સાથે મિત્રતા કરી તેને ભોળવવાની આદત જાણી પોલીસ પણ ચોંકી ગઇ હતી. ૧૫૦ જેટલી ગર્લફ્રેન્ડ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. વરણામા પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો અજય ઉર્ફે અનિલ યુવાન છોકરીઓ તેમજ સ્ત્રીઓને કોઇપણ રીતે મોબાઇલ, વોટ્સએપ તથા ફેસબુક દ્વારા મોહજાળમાં ફસાવીને પોતાની થાર ગાડીમાં ફરાવતો હતો. બાદમાં મોકો મળતાં બળાત્કાર ગુજારતો તેમજ જો કોઇ પ્રતિકાર કરે તો ગળે ટૂંપો આપી મારી લૂંટ કરતો હતો.
વર્ષ-૨૦૨૧માં હત્યાના ગુનામાં અમદાવાદ જેલમાંથી આઠ દિવસના વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હતો. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઇ યુવતી અથવા મહિલા અજય ઉર્ફે અનિલનો ભોગ બની હોય તો ફરિયાદ આપવા સામે આવે તેને રક્ષણ આપવાની જવાબદારી અમે લઇશું. પોલીસે રાજ્યભરની પોલીસને પણ જાણ કરી છે. અજય ઉર્ફ ેઅનિલ હાલ તા.૨૫ સુધી વરણામા પોલીસ પાસે રિમાન્ડ હેઠળ છે.