આણંદમાં યુરિયાની સાથે અન્ય ખાતર લેવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ
ખાતર ખરીદવા દબાણ કરી શકાય નહીં તેવા સરકારના દાવા
ખાતર બનાવતી કંપનીઓ ખાતર ડેપોના સંચાલકોને અન્ય કૃષિ પ્રોડક્ટ લેવા દબાણ કરતી હોવાની સીએમઓમાં રજૂઆત
આણંદ: આણંદ જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતર સાથે કૃષિ સાથે સંકળાયેલા અન્ય રાસાયણિક ખાતરો લેવા માટે દબાણ કરવામાં આવતું હોવાની અવારનવાર ફરિયાદો ઉઠે છે. તેવામાં ખાતર બનાવતી કંપનીઓ દ્વારા ખાતર ડેપોના સંચાલકોને યુરિયા સાથે અન્ય પેદાશો લેવા માટે દબાણ કરવામાં આવતું હોવાની તથા અન્ય પેદાશો લેવાની ના પાડવામાં આવે તો યુરિયા આપવા માટે કંપનીઓ આનાકાની કરતી હોવાના આક્ષેપ સાથે જંત્રાલના ખાતર ડેપોના સંચાલકે મુખ્યમંત્રીના ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ કરી હતી.
આણંદ જિલ્લામાં રાસાયણિક ખાતરના વેચાણ માટે ૧૮૨ ખાતર ડેપો આવેલા છે. જેમાં આણંદના ગુજરાત ટોબેકો ફેડરેશન દ્વારા ડેપોની જરૂરિયાત મુજબ કંપની સાથે સંકલન કરીને વાર્ષિક ૧,૫૦૦ મેટ્રિક ટનથી વધુ યુરિયાનો જથ્થો ફાળવવામાં આવે છે. જંત્રાલના ખાતર ડેપોના સંચાલક પ્રિયકાંત પટેલે જણાવ્યું હતંિ કે, ઈફ્કો સહિતની ખાતર બનાવતી ચાર કંપની દ્વારા ખાતર ડેપોના સંચાલકોને નેનો યુરિયા લિક્વિડ, એમોનિયમ સલ્ફેટ, નર્મદા ફોર્સ, ડીએપી લિક્વિડ સહિતની કૃષિ સંલગ્ન પેદાશો લેવા દબાણ કરવામાં આવે છે. અન્ય પેદાશો લેવાની ના પાડવામાં આવે તો ખાતર આપવા માટે આનાકાની કરવામાં આવે છે. આ અંગે મેં સીએમઓ ગાંધીનગર ખાતે તથા ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ દાખલ કરી હતી. જેથી અરજીના નિકાલ માટે ખેતીવાડી અધિકારી બોરસદ દ્વારા મને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં મેં ફરી લેખિતમાં અરજી આપી છે.
વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે ખેડૂતો માત્ર યુરિયા/રાસાયણિક ખાતર લેવાનો આગ્રહ રાખતા હોય છે. જ્યારે બીજી પેદાશો અંગે જણાવીએ ત્યારે સરકાર દ્વારા અન્ય પ્રોડક્ટો ખરીદવી નહીં અને તેવું દબાણ પણ કરવું નહીં તેવી જાહેરાત કરી હોવાથી અમે પ્રોડક્ટ લેવાના નથી તેમ ખેડૂતો જણાવે છે. જેને લઈ ખેડૂતો અને ખાતર ડેપોના સંચાલકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાઓ થાય છે. ખેડૂતો અન્ય પેદાશો ના લેતા હોવાથી ડેપો સંચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે ગુજરાત ટોબેકો ફેડરેશન, આણંદના અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કંપનીઓ દ્વારા ડાયરેક્ટ આવી પ્રોડક્ટો ડેપોમાં આપવામાં આવે છે. ખાતર ડેપોના સંચાલકો અમને ખાતરનો ઓર્ડર આપે છે, તે અમે કંપનીઓમાં નોંધાવીએ છીએ. કંપનીઓ ખાતર ડેપોને ડાયરેક્ટ ખાતર સપ્લાય કરે છે. અમારે જે બિલ આવે તે બનાવવાનું હોય છે. અમે બિલ ડેપોના સંચાલકોને મોકલી આપીએ છીએ. અમે ખાતર ડેપોના સંચાલકોને અન્ય પ્રોડક્ટ ખરીદવા દબાણ કે ભલામણ કરતા નથી.
જ્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. હાલ ડાંગર, તમાકુ, શાકભાજીમાં યુરિયાની ખૂબ જરૂર હોય છે. જેથી ખાતર કંપનીઓ સિઝનનો લાભ લઈને ખેડૂતોને અન્ય પ્રોડક્ટ ફરજિયાત આપી દેતા હોય છે. ખાતર કંપનીઓ ખેડૂતો અને ખાતર ડેપો સંચાલકોને અન્ય પ્રોડક્ટ લેવા દબાણ કરી શકે નહીં તેવી કૃષિ મંત્રી દ્વારા જાહેર પ્રવચનોમાં બડાઈઓ કરતા હોય છે પરંતુ ખાતર કંપનીઓ દ્વારા ખાતર ડેપોના વ્હોટ્સએપ ગુ્રપમાં મેસેજ મૂકીને યુરિયા સાથે અન્ય પ્રોડક્ટો કેટલી લેવી ફરજિયાત છે તેવા મેસેજ કરે છે.