વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આઇટીની તપાસ બીજે દિવસે પણ ચાલુ
વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા ઃ આઇટી રેડને પગલે બીજા દિવસે શેર વધુ ૨.૬૧ ટકા તૂટયો
વડોદરા,ઇ-બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા ખાતુ ગઇકાલે ત્રાટક્યું હતું અને છ સાત સ્થળે તપાસ ચાલુ કરી હતી. જે આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.
ગઇકાલે રેડ પડયા બાદ પ્રથમ દિવસના અંતે જ વોર્ડ વિઝાર્ડનો શેર સાંજ સુધીમાં રૃા.૬.૧૧ તૂટી ગયો હતો. ગઇ સાંજે શેર ૭૫.૪૨એ બંધ રહ્યો હતો. આજે વધુ ૨.૬૧ ટકા એટલે કે રૃા.૧.૯૭ તૂટયો છે. આજે સાંજે રૃા.૭૩.૪૫એ બંધ રહ્યો હતો. વોર્ડ વિઝાર્ડ બેવરેજીસ, હેલ્થકેર, ફાઇનાન્સ, મેડિકલ, ફૂડઝ, સોલ્યુશન્સ, ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી, એન્ટરનેઇનમેન્ટ, હોસ્પિટલ વગેરે ક્ષેત્રે સક્રિય છે.
વડોદરામાં સયાજીપુરા પાસે જોય બાઇકના બ્રાન્ડ નેમથી ઇ-બાઇકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની અને તેમના ચેરમેન-એમડીના દર્શનમ સ્પ્લેન્ડોરા સ્થિત નિવાસસ્થાને અને અન્ય ડિરેકટરોને ત્યાં આવકવેરા ખાતાએ તપાસ શરૃ કરી હતી. કંપની વિવિધ ક્ષેત્રમાં નાણાંકીય વ્યવહારો, ટર્નઓવર, ઇ-બાઇકનું વેચાણ વગેરે મુદ્દે ઝીણવટભરી તપાસ હાથ ધરી જરૃરી દસ્તાવેજો એકત્રિત કર્યા હતા. તપાસ હજી ચાલુ છે, પરંતુ પૂર્ણ થાય ત્યારે કરોડોનું બિનહિસાબી નાણુ ઝડપાય તેવી શક્યતા છે.
વર્લ્ડ વિઝાડ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર યતીન ગુપ્તે ૨૦૦૫ થી ૨૦૦૯ દરમિયાન ખાનગી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સામાન્ય પોસ્ટ પર હતા. એજન્ટ બનાવવા ઉપરાંત વીમાની પોલિસીનું કામ કરતા હતા. ૨૦૧૦માં પ્રમોશન મળ્યા બાદ અમદાવાદ આવ્યા હતા અને ત્રણ અલગ રાજ્યોની અલગ શાખાઓમાં વીમાની પોલિસીનો બિઝનેસ સંભાળતા હતા. ૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન બીજી એક વીમા કંપનીમાં કામ કર્યું હતું. ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન વડોદરામાં નોકરી કરી હતી.
આમ ૨૦૦૫ થી ૨૦૧૬ સુધી નોકરી કરનાર યતીન ગુપ્તેએ બાદમાં વોર્ડ વિઝાર્ડ કંપની ઊભી કરી હતી.