Get The App

ISI એજન્ટ બોલું છું, વડોદરા રેલવે સ્ટેશને બોમ્બબ્લાસ્ટ થવાનો છે

વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા વ્યાપક ચેકિંગ ઃ ફોન કરનારને શોધતી પોલીસ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ISI એજન્ટ બોલું છું, વડોદરા રેલવે સ્ટેશને બોમ્બબ્લાસ્ટ થવાનો છે 1 - image

વડોદરા, તા.26 પાકિસ્તાનથી બોલું છું વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલરૃમને મળ્યા બાદ રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા આખી રાત રેલવે સ્ટેશનના વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સદનસીબે કશું નહી મળતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૃમમાં ગઇરાત્રે એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, હું આઇએસઆઇ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું અને મારો મોબાઇલ નંબર આ છે તેમ કહી નંબર આવ્યો હતો. આ જ શખ્સે બીજા નંબર પરથી ફરીથી ફોન કર્યો  હતો. દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલરૃમને જાણ કરવામાં આવી હતી આ સાથે જ રેલવે પોલીસ એલર્ટ થઇ ગઇ હતી.

મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે ઉતરી આવ્યા હતાં અને રાત્રે જ રેલવે સ્ટેશનના ટ્રાફિક વિસ્તાર, મુસાફરખાના, વેઇટિંગરૃમ, પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને  રેલવે સ્ટેશનની અવાવરું જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું  હતું. વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચેકિંગ દરમિયાન પોલીસ અને આરપીએફને કશું વાંધાજનક મળ્યું ન હતું.

જો કે આ અંગે રેલવે પોલીસના પીઆઇએ વલસાડ પોલીસ કંટ્રોલરૃમમાં ગર્ભિત ધમકી આપતો ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.




Google NewsGoogle News