ભરૃચના બે કોન્સ્ટેબલની સાથે મળીને SMCના અધિકારીઓના લોકેશન મેળવવામાં પણ પરેશ ઉર્ફે ચકાની સંડોવણી
વોન્ટેડ હોવાછતાંય પરેશ વિદેશી દારૃનો ધંધો કરતા આરોપી સામે ૨૫ ગુનાઓ તથા પાંચ વખત પાસામાં જઇ આવ્યો છે
વડોદરા, સ્ટેટ મોનિટરિંગ સેલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી દારૃની ૧૫૮ પેટીઓ અને પાંચ વાહનો મળી કુલ ૨૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં નાસતા ફરતા આરોપી પરેશ ઉર્ફે ચકા સામે ૨૫ થી વધુ ગુનાઓ નોંધાયા છે. અને અગાઉ ભરૃચમાં પકડાયેલા જાસૂસી કાંડમાં પણ આ જ આરોપીની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
ગત અઠવાડિયે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૃની ૧૫૮ પેટી સાથે ચાર આરોપીઓને પકડી લીધા હતા. ચારેય આરોપીઓના રિમાન્ડ પૂરા થયા પછી પાસા હેઠળ ડિટેન કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કેસમાં વોન્ટેડ આરોપી પરેશ ઉર્ફે ચકાની સંડોવણી ભરૃચના બહુચર્ચિત જાસૂસી કાંડમાં પણ ખૂલી હતી. તે કાંડની વિગત એવી હતી કે, ભરૃચ એલ.સી.બી.ના બે કોન્સ્ટેબલ મયૂર ખુમાણ તથા અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલના ૧૫ પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફના લોકેશન છેલ્લા બે વર્ષથી બૂટલેગરોને આપવામાં આવતા હતા. બૂટલેગરો માટે કામ કરતા બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એસ.એમ.સી.ની તપાસમાં વડોદરાના બૂટલેગર પરેશ ઉર્ફે ચકો તેમજ ભરૃચના નયન કાયસ્થના નામો ખૂલ્યા હતા.આ કેસમાં હજી પરેશ ઉર્ફે ચકો વોન્ટેડ છે. તેમછતાંય હજી દારૃનો ધંધો કરી રહ્યો છે. પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી છે. પરેશ ઉર્ફે ચકા સામે શહેરના કારેલીબાગ, ગોરવા,ગોત્રી, માંજલપુર,ફતેગંજ, હરણી તેમજ અન્ય જિલ્લામાં પણ પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયા છે. તેમજ પાંચ વખત પાસામાં પણ જઇ આવ્યો છે. જોકે, વિદેશી દારૃના કેસની તપાસ કરતા જવાહરનગર પી.આઇ.નું કહેવું છે કે, આ બંને પરેશ ઉર્ફે ચકો એક જ છે કે, કેમ ? તે પકડાયા પછી જ નક્કી થશે.