મહિને 2 ટકા વ્યાજની સ્કીમ મૂકનાર જામનગરની ક્રેડિટ બુલ્સ ઇન્ડિયા કંપનીમાં ઇન્વેસ્ટરોએ દોઢ કરોડ ગુમાવ્યા
વડોદરાઃ મહિને દોઢ થી બે ટકા વ્યાજની સ્કીમ મૂકી જામનગરની ક્રેડિટ બુલ્સ ઇન્ડિયા નામની કંપનીએ વડોદરાના ઇન્વેસ્ટર તેમજ તેના સગા, સબંધીઓને વિશ્વાસમાં લઇ રૃ.૧.૪૬ કરોડની રકમ પડાવી લેતાં ત્રણ ડિરેક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ઇલોરાપાર્ક વિસ્તારમાં રામેશ્વર મંદિર રોડ પર શ્રી વિલા સોસાયટીમાં રહેતા સોફ્ટવેર મેનેજર જનકભાઇ મકવાણાએ પોલીસને કહ્યું છે કે,જુલાઇ-૨૦૨૧માં ગૂગલ પર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મન્થલી રિટર્ન સર્ચ કરતો હતો ત્યારે ક્રેડિટ બુલ્સ ઇન્ડિયાની સાઇટ પર ક્લિક કરતાં મારી પાસે માહિતી માંગવામાં આવી હતી.આ કંપનીના ડિરેક્ટર તરીકે જામનગરના ધવલ સોલાણી(વ્રજ મંગલ એપાર્ટમેન્ટ),ફરજાના ઇરફાન એહમદ શેખ (પટેલ કોલોની,વ્રજમંગલ એપાર્ટમેન્ટ,જામ નગર) અને પંકજ પ્રવિણભાઇ વડગામા(ઓમ કાર એવન્યૂ,શેરી-૩,વાસાવીરા ,સમર્પણ સર્કલ પાસે,જામનગર)ના નામો હતા.
આ કંપનીમાં ગોલ્ડન,સિલ્વર અને પ્લેટિનિયમ સ્કીમો મુકાઇ હતી.જેમાં મહિને દોઢ થી બે ટકા વ્યાજની ઓફર હતી.શરૃઆતમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કરતાં મને વ્યાજ મળ્યું હતું.જેથી મારા માતા ના નામે ૧૩.૫૦ લાખ,પત્નીના નામે ૧૫લાખ, પિતાના નામે ૪ લાખ તેમજ અન્ય સગાં અને મિત્રો મળી ૨૦ જેટલા લોકોએ કુલ રૃ.૧.૪૬ કરોડનું રોકાણ કર્યું હતું.પરંતુ ત્યાર બાદ કંપનીએ રિટર્ન આપવાનું બંધ કરી દીધું હતું.જેથી જામનગર જઇ તપાસ કરતાં ડિરેક્ટરોએ સેબીની ઇન્કવાયરી ચાલે છે તેમ કહી ગોળગોળ જવાબો આપ્યા હતા.
વળી કંપનીએ આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો.જેથી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ડિરેક્ટર સામે ગુનો નોંધ્યો છે.