તપન મર્ડર કેસમાં આરોપીને આશ્રય આપનારની શોધખોળ
ગુનાની વધુ તપાસ માટે પોલીસે કોર્ટમાં આરોપીને રજૂ કરી વધુ રિમાન્ડ મેળવ્યા
વડોદરા,સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે ચા પીવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર તપન પરમારની હત્યામાં સામેલ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગતા કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલમાં ઘાતકી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલ ૧૦મા આરોપી આસિફ કરીમખાન પઠાણ (રહે. નવાબવાડા, શબનમ ચેમ્બર સામે ) ને પોલીસે શુક્રવારે ઝડપી પાડયો હતો. તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ મર્ડરમાં સક્રિય ભૂમિકા ભજવી છે. સીસીટીવીમાં આરોપી સ્પષ્ટ દેખાય છે. આરોપીએ ગુના સમયે પહેરેલા કપડા પૈકી જેકેટ હજી રજૂ કર્યુ નથી. તપાસના કામે જેકેટ કબજે કરવું જરૃરી છે. પુરાવા સંબંધિત ખૂટતી કડીઓ મેળવવાની છે. ગુનો કર્યા પછી આરોપીએ ક્યાં આશ્રય લીધો હતો ? તેની તપાસ કરવાની છે. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપીના આગામી તા.૨ જી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.