કસ્ટોડિયલ ડેથ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
મરનારને ક્યાંથી લાવ્યા અને તેની બાઇક કઇ રીતે તેના ઘરે પહોંચી તે અંગે તપાસ
વડોદરા,કસ્ટોડિયલ ડેથના કેસની એસીપી દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ડીસીબી થી જમનાબાઇ હોસ્પિટલ અને ત્યાંથી સયાજી હોસ્પિટલ સુધીની રસ્તા પરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનો અભ્યાસ શરૃ કરવામાં આવ્યો છે.
આ કેસની તપાસ દરમિયાન એસીપી સી ડિવિઝન દ્વારા સ્ટાફના નિવેદનો લેવાનું શરૃ કરવામાં આવ્યું છે. આજે મરનાર યુવકના પાડોશી સહિતના લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તરસાલી હરિઓમ નગરમાં રહેતો ૨૯ વર્ષનો યજ્ઞોશ રાજેન્દ્રભાઇ ચૌધરીના મોત અંગે હજી સુધી કોઇ વાંધાજનક પુરાવા મળ્યા નથી. પરંતુ, યજ્ઞોશને છાતીમાં દુખાવો ઉપડયો ત્યારે સીપીઆરની તાલીમ લેનાર કોઇ પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતો કે કેમ ? તે અંગે હજી કોઇ જાણકારી મળી નથી. આ ઉપરાંત મરનારને લક્ષ્મીપુરા વિસ્તારમાંથી કારમાં લાવવામાં આવ્યો હતો. તે અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પરંતુ, તેની બાઇક તેના ઘરે કોણ મૂકી ગયું ? તે અંગે હજી કોઇ માહિતી મળી નથી. આ અંગે તપાસ કરવામાં આવશે. તેવું એસીપી સી ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું છે.