પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં રાતોરાત અધ્યાપકોની કાયમી નિમણૂંક માટે ઈન્ટરવ્યૂ ગોઠવાયા
વડોદરાઃ લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી હોવાનુ મનાઈ રહ્યુ છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં આશ્ચર્યજનક રીતે અટલ બિહારી વાજપેયી પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં અધ્યાપકોની બે કાયમી પોસ્ટ માટે સત્તાધીશોએ તા.૧૧ માર્ચ, સોમવારે ઈન્ટરવ્યૂ ગોઠવી દીધા છે.
અચાનક જ માત્ર બે પોસ્ટ માટે યુનિવર્સિટી સત્તાધીશો ચૂંટણીની આાચર સંહિતા લાગુ થાય તે પહેલા જ અધ્યાપકોની નિમણૂંકની ઉતાવળ કેમ કરી રહ્યા છે તે મુદ્દો અધ્યાપક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ચાલતી ચર્ચા અનુસાર યુનિવર્સિટીમાં ડો.વિજય શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળ્યાના બે વર્ષ બાદ પહેલી વખત કોઈ ઈન્ટરવ્યૂ યોજાઈ રહ્યા છે.યુનિવર્સિટીમાં અધ્યાપકોના પ્રમોશનના ઈન્ટરવ્યૂ ૨૦૧૬થી બાકી છે.કાયમી જગ્યાઓ પર શરુ થયેલી ભરતી અઢી વર્ષથી અટકેલી છે.પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી થયેલા અધ્યાપકોની મુદત પૂરી થઈ ગઈ છે અને તેમના ઈન્ટરવ્યૂ અરજીઓ મંગાવ્યાના બે મહિનાથી ટલ્લે ચઢાવાયેલા છે.આ માટે સત્તાધીશોને કોઈ ઉતાવળ નથી ત્યારે પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટની બે પોસ્ટ ભરવા માટે રાતોરાત ઈન્ટરવ્યૂ લેવાનુ આયોજન કરાયુ છે.
રિસર્ચ ઈનસ્ટિટયૂટમાં ભણાવવાની કામગીરી પણ કરવાની નથી .આમ છતા સત્તાધીશોએ આ બે પોસ્ટો પર નિમણૂંક કરવામાં બતાવેલી ઝડપથી આશ્ચર્ય સર્જાય તે સ્વાભાવિક છે.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં આ ઈન્સ્ટિટયૂટ કાર્યરત થયુ હતુ.સરકારે તેમાં વિદેશ નીતિ પર રિસર્ચ કરવા માટે અધ્યાપકોની બે પોસ્ટ ફાળવેલી છે.પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીને આ ઈન્સ્ટિટિયૂટ બનાવવા માટે સૂચન કર્યુ હતુ.ઈન્ટરવ્યૂ અંગે જાણકારી માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો સંપર્ક થઈ શક્યો નહોતો.