યુનિ.માં આખરે હંગામી અધ્યાપકોની પોસ્ટ ભરવા માટે ઈન્ટરવ્યૂ શરુ કરાયા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં આખરે હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂની શરુઆત થઈ છે.યુનિવર્સિટી સત્તાધીશોએ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યાં સુધી ઈન્ટરવ્યૂ શરુ કરવા માટે રાહ જોઈ હતી.હવે સત્તાધીશોએ ફેકલ્ટીઓને પોતાની રીતે ઈન્ટરવ્યૂ શરુ કરવા માટે સૂચના આપી છે.
જેના પગલે આજથી કેટલીક ફેકલ્ટીઓમાં ઈન્ટરવ્યૂ શરુ થઈ ગયા છે.સત્તાધીશોએ યુનિવર્સિટીમાં ૫૦૦ કરતા વધારેે હંગામી અધ્યાપકોની પોસ્ટો માટેની અરજીઓ તો માર્ચ મહિનાથી મંગાવી હતી અને બે વખત અરજીઓ મંગાવવાની તારીખ વધારી હતી.જેના કારણે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા તા.૨૦ મે સુધી ચાલી હતી.આ દરમિયાન લોકસભાની ચૂંટણીઓ માટે વિવિધ તબક્કાઓમાં મતદાન થયુ હતુ.ગુજરાતમાં તો લોકસભાની ચૂંટણી તા.૭ મેના રોજ પૂરી થઈ ગઈ હતી.આમ છતા સત્તાધીશોએ લોકસભા ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી ઈન્ટરવ્યૂ નહીં યોજવાનુ નક્કી કર્યુ હતુ.
જેના કારણે હવે જૂન મહિનાના પ્રારંભમાં ઈન્ટરવ્યૂ શરુ થયા છે અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં જુલાઈ મહિના સુધી ઈન્ટરવ્યૂ ચાલે તેવી શક્યતાઓ છે.આ દરમિયાન પ્રવેશ કાર્યવાહી પણ ચાલી રહી હોવાથી સત્તાધીશોએ વર્તમાન હંગામી અધ્યાપકોને ફરી એક વખત તા.૩૦ જૂન સુધી એક્સ્ટેન્શન આપ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.તેમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા અધ્યાપકોનો પણ સમાવેશ થાય છે.આવા અધ્યાપકોની મુદત ડિસેમ્બરમાં જ પૂરી થઈ ગઈ હતી અને એ પછી તેમને સતત એક્સ્ટેન્શન જ અપાઈ રહ્યુ છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનુ જ બંધ કરી દેવા માંગે છે તેવી ચર્ચા પણ અધ્યાપક આલમમાં શરુ થઈ છે.