અમિતનગર ચાર રસ્તા પાસે કેબલ ફોલ્ટના કારણે મધરાતે બે કલાક અંધારપટ
વડોદરાઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વધી રહેલી વીજ માંગ વચ્ચે વીજળી ગુલ થવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે.શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
બુધવારે મોડી રાત્રે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ શહેરના વીઆઈપી રોડ પર અમિત નગર ચાર રસ્તા અને તેની આસપાસની સોસાયટીઓમાં અંધારપટ છવાઈ ગયો હતો.ગરમીમાં લગભગ ૩૦૦ જેટલા પરિવારો વીજળી વગર હેરાન પરેશાન થયા હતા.સૂત્રોના કહેવા પ્રમાણે અમિત નગર ચાર રસ્તા પાસેથી પસાર થતા અન્ડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ સર્જાયો હતો અને તેનુ સમારકામ કરવામાં લગભગ ૨ કલાકનો સમય લાગ્યો હતો.જેના કારણે રાત્રે એક વાગ્યા બાદ વીજ સપ્લાય પૂર્વવત થયો હતો.આ ફોલ્ટના કારણે એક ટ્રાન્સફોર્મરને પણ અસર થઈ હતી.
શહેરના લક્ષ્મીપુરા સબ ડિવિઝન હેઠળના વાસણા રોડ પરની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા ચાર દિવસથી રાત્રે રોજ એક કલાક માટે વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.શહેરના વાઘોડિયા રોડ પર પણ સૂર્યનગર અને તેની આસપાસની સોસાયટીઓમાં મધરાતે અડધો કલાક માટે વીજળી ગૂલ થઈ હતી.
વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, ગરમીના કારણે રાત્રે હજારો એસી ચાલતા હોવાથી વીજ માંગ વધી જાય છે.સોલાર જોડાણોની વધેલી સંખ્યાના કારણે હવે વીજ બિલ પણ ઓછુ આવતુ હોવાથી લોકોના ઘરોમાં એસીની સંખ્યા પણ વધી છે.જેના કારણે રાત્રે વીજ માળખા પર અગાઉ કરતા વધારે ભાર પડી રહ્યો હોવાથી વીજ લાઈનો ટ્રિપ થઈ રહી છે.