વન્યપ્રાણીઓના સોદાનું આંતરરાષ્ટ્રિય કૌભાંડ, દીપડાના બચ્ચા સાથે બે ઝડપાયાઃ સૂત્રધાર ફરાર

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
વન્યપ્રાણીઓના સોદાનું આંતરરાષ્ટ્રિય કૌભાંડ, દીપડાના બચ્ચા સાથે બે ઝડપાયાઃ સૂત્રધાર ફરાર 1 - image

વડોદરાઃ વડોદરા નજીકના ઝઘડિયા વિસ્તારમાં આવેલા પાણેથા ખાતેથી ફોરેસ્ટ વિભાગ અને વડોદરાની જીવદયા સંસ્થાએ દરોડો પાડી વન્ય પ્રાણીના સોદા કરવાનું નેટવર્ક પકડયું છે.આ નેટવર્કના તાર બહારના દેશો સાથે સંકળાયેલા હોવાની શક્યતા જોવાઇ રહી છે.

વન્ય પ્રાણીઓનો સોદો કરવા માટે કેટલાક શખ્સો પ્રયત્ન કરી રહ્યા હોવાની વિગતોને પગલે ભારત સરકારના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો અને વડોદરાની ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની સામે આવેલા ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે રેકી કરીને દરોડો પાડવામાં આવ્યો હતો.

તેમણે પાણેથાના ગૌતમ સૂર્યકાન્તભાઇ પાદરીયાના મકાનમાં સર્ચ કરતાં દીપડાનું એક બચ્ચું મળી આવ્યું હતું.તપાસ દરમિયાન આ બચ્ચું ત્રણેક મહિના પહેલાં શેરડીના ખેતરમાંથી લાવવામાં આવ્યું હોવાની વિગતો ખૂલી હતી.આ બચ્ચું લેવા માટે ગૌતમ પાદરીયા તેના મિત્ર હરેશ ઉર્ફે જલો અરવિંદભાઇ પાટણવાડિયાની સાથે બાઇક પર ગયો હતો.જેથી ફોરેસ્ટ વિભાગે બંનેની અટકાયત કરી હતી.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ કે પરમારના નેજા હેઠળ ટીમે તપાસ કરતાં વન્ય જીવોના સોદા સાથે સંકળાયેલા પાણીગેટના ઇરફાન નામના એક શખ્સનું નામ ખૂલ્યું હતું.જેથી પાણીગેટ પોલીસની મદદથી રાતે તેને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.પરંતુ ઇરફાનનો પત્તો લાગ્યો નહતો.ફોરેસ્ટ વિભાગે પકડાયેલા બંને શખ્સના રિમાન્ડ લેવાની તજવીજ કરી છે.

રીંછના બચ્ચાંનો વીડિયો મળતાં ફોરેસ્ટ અધિકારીઓ ચોંક્યા

પાણેથા ગામેથી દીપડાના બચ્ચાં સાથે પકડાયેલા શખ્સના મોબાઇલમાંથી રીંછના બચ્ચાંનો પણ એક વીડિયો મળતાં ફોરેસ્ટ વિભાગે તેની ગંભીર નોંધ લીધી છે.

વન્ય જીવોના સોદા કરવામાં આવતા હોવાની આશંકાને પગલે ફોરેસ્ટ વિભાગે દીપડાના બચ્ચાં સાથે ગૌતમ પાદરીયા અને હરેશ ઉર્ફે જલોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

પકડાયેલા શખ્સ પાસેથી મળેલા મોબાઇલમાં રીંંછના બચ્ચાંનો પણ એક વીડિયો મળતાં તેની ગંભીર નોંધ લઇ તપાસ કરવામાં આવી રહી છે.રિંછના બચ્ચાંનો પણ સોદો કરવા માટે વીડિયો મોકલવામાં આવ્યો હોવાની લખાણ જોતાં શક્યતા દેખાઇ રહી છે.રિમાન્ડ દરમિયાન આ મુદ્દે પૂછપરછ કરવામાં આવનાર છે.

ઇરફાનની અગાઉ પણ વન્યજીવના સોદામાં સંડોવણી

ફોરેસ્ટ વિભાગના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ઇરફાન પકડાય તો તેના બીજા ગુનાઓને લગતી માહિતી મળી શકે તેમ છે. ઇરફાનની તપાસ કરવા ગયેલી ટીમને ઇરફાનના અગાઉ પણ વન્યજીવના સોદામાં સંડોવણી હોવાની માહિતી મળી હતી.જેથી તેના પુરાવા એકત્રિત કરવા કવાયત કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News