વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના દુષ્કર્મ કેસમાં ઈન્ટર્ન ડોક્ટરની જામીન અરજી નામંજૂર
Vadodara Gotri Hospital : ગોત્રી મેડિકલ કોલેજની એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થિનીને રાતે મેડિકલ કોલેજની છત પર બોલાવી ઇન્ટર્ન ડોક્ટરે સતત ટોર્ચર કરી અકુદરતી સેક્સ કરાવ્યું હતું. જે કેસમાં જેલવાસ ભોગવતા ઇન્ટર્ન ડોક્ટરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
20 વર્ષની યુવતી ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. આ જ કોલેજમાં મૂળ ગાંધી નગરનો નિર્ભય પ્રકાશભાઇ જોશી ફાઇનલયરમાં અભ્યાસ કરે છે. હાલમાં તે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. નિર્ભય સિનિયર હોવાના કારણે વિદ્યાર્થિની તેના સંપર્કમાં આવી હતી. અભ્યાસ બાબતે તેઓ વચ્ચે અવાર-નવાર મુલાકાત પણ થતી હતી. યુવતીની વાતચીતનું વોઇસ રેકોર્ડિંગ નિર્ભય પાસે હતું. જે રેકોર્ડિંગના આધારે તે યુવતીને બ્લેકમેલ કરી ધમકી આપતો હતો કે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા. નહીંતર વોઇસ રેકોર્ડિંગ વાયરલ કરી દઇશ.
ગત તા.15મીએ નિર્ભયે રેકોર્ડિંગનું પેન ડ્રાઇવ આપવાના બહાને વિદ્યાર્થિનીને મેડિકલ કોલેજની છત પર બોલાવી નિર્ભયે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી કિસ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીએ બે હાથ જોડીને વિનંતી કરતી રહી પણ નિર્ભયે ધમકી આપી અકુદરતી સેક્સ કરાવ્યું હતું. આ કેસમાં ગોરવા પોલીસે નિર્ભય જોશી (રહે. માંગલ્ય એપાર્ટમેન્ટ, ગાંધીનગર) ની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થયા પછી આરોપી જેલમાં ગયો હતો. તેણે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. એડિશનલ સેશન્સ જજ એમ.એમ. સૈયદે સરકારી વકીલ જીજ્ઞોશ કંસારાની રજૂઆતો તપાસ અધિકારીનું સોગંદનામુ ધ્યાને લઇ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, તમામ દસ્તાવેજો ધ્યાને લેતા જો અરજદારને જામીન પર મુક્ત કરવામાં આવશે તો ભોગ બનનાર વધુ ડર અને માનસિક તણાવ અનુભવી શકે છે. મેડિકલ સ્ટુડન્ટ હોવાના નાતે અરજદારે તેની મર્યાદા નિભાવી નથી. તેનું કૃત્ય મેડિકલ પ્રોફેશનને શોભતું નથી. આવા સ્ટુડન્ટને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજ અને મેડિકલ કોલેજમાં ખોટો દાખલો બેસશે.