Get The App

સિવિલમાં ખુલ્લા -જોખમી લટકતા ઇલેક્ટ્રીક વાયરો ફિટ કરવા સુચના

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
સિવિલમાં ખુલ્લા -જોખમી લટકતા ઇલેક્ટ્રીક વાયરો ફિટ કરવા સુચના 1 - image


પીઆઇયુના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલનો રાઉન્ડ લીધો

બિમાર હોસ્પિટલની પાટાપિંડી કરવા તાકિદઃઉખડી જતી ટાઇલ્સ અને વોર્ડમાં પાણીનો પ્રશ્ન દૂર કરવા આદેશ

ગાંધીનગર :  ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ૬૦૦ બેડની હોસ્પિટલ બની ત્યારથી જ વિવાદમાં રહેલી છે ત્યારે આજે પીઆઇયુના ઉચ્ચ અધિકારીઓએ રાઉન્ડ લીધો હતો અને સીવીલ તથા ઇલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટની વિવિધ સમસ્યાઓ દૂર કરવા સુચના આપી હતી. હોસ્પિટલમાં ઇલેક્ટ્રીક વાયરો ખુલ્લા અને જોખમીરીતે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા તેને યોગ્યરીતે ફિટ કરવા તાકિદ કરાઇ હતા તો વારંવાર ઉખડી જતી ટાઇલ્સનો પ્રશ્ન પણ દૂર કરવા સુચન કરાયું હતું.

ગાંધીનગર સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. જો કે, છેલ્લા રિનોવેશન બાદ મોટાભાગની મોટી સમસ્યાઓ દૂર થઇ ગઇ છે તેમ છતા હજુ પણ ગટર-પાણીના પ્રશ્નો આ હોસ્પિટલ બિલ્ડીંગમાં છાશવારે ઉઠતા સાંભળવા મળે છે. ત્યારે આજે પીઆઇયુના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હોસ્પિટલ બિલ્ડીંગનો રાઉન્ડ લીધો હતો અને સીવીલ વર્ક તથા ઇલેક્ટ્રીક વર્કને ધ્યાને રાખીને લાવેયેલા આ રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલ બિલ્ડીંગમાં ખુલ્લા તથા લટકતા જોખમી વાયરો તેમને ઉડીને આંખે વળગ્યા હતા જેના પગલે આ વાયરો તાત્કાલિક યોગ્યરીતે ફિટ કરવા માટે સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી.

એટલુ જ નહીં, બિલ્ડીંગમાં વારંવાર ઉખડી જતી ટાઇલ્સો બાબતે પણ યોગ્ય કામગીરી કરવા માટે સુચન કરવામાં આવ્યું હતું જ્યારે ઘણી જગ્યાએ પાણીના પ્રશ્નો છે વોર્ડમાં પાણી આવતું નથી તો ક્યાંકથી પાણી ટપકવાની પ સમસ્યા સામે આવી છે. જેના પગલે તે તાકિદે દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ત્રીજા માળે વોર્ડના ટોલેટમાં નળ જ નથીઃદર્દીઓ હેરાન

ગાંધીનગર સિવિલમાં ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગમાં એક બાજુ અધિકારીઓ દ્વારા રાઉન્ડ લઇને સમસ્યાઓ શોધીને તેનો ઉકેલ કરવામાં મથામણ કરવામાં આવતી હતી ત્યારે બીજીબાજુ દર્દીઓના સગા દ્વારા ત્રીજા માળે આવેલા વોર્ડના ટોઇલેટમાં નળ જ નહીં હોવાનું કહ્યું હતું. નળ નહીં હોવાને કારણે અહીં શૌચક્રિયા બાદ પાણીનો મારો ચલાવી શકાતો જ નથી જેના કારણે અહીં અસહ્ય દુર્ગંધ ફેલાય છે જેનાથી દર્દીઓ તથા સગા તો પરેશાન છે જ સાથે સાથે સ્ટાફ પણ હેરાન થઇ ગયો છે. જેનું નિરાકરણ લાવવા પણ સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં સ્ટીલના નળ ફિટ કરવામાં આવ્યા હતા જે ચોર ચોરી જાય છે અને ત્યાં નવા નળ લગાવવાની તસ્દી લેવાતી નથી.


Google NewsGoogle News