MSUનું ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ એન્ડ ગર્વનન્સ બંધ થવાના આરે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
MSUનું ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ એન્ડ ગર્વનન્સ બંધ થવાના આરે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનુ  ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ એન્ડ ગર્વનન્સ હવે બંધ થવાના આરે છે. આ વર્ષે ઈન્સ્ટિટયુટમાં ચાલતા ડિપ્લોમા  ઈન લીડરશિપ ગર્વનન્સના કોર્સમાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો નથી.

મળતી વિગતો પ્રમાણે આ ઈન્સ્ટિટયુટને  વિદ્યાર્થીઓ તેમજ વ્યવસાયીઓને નેતૃત્વના પાઠ શીખવવા માટે ૨૦૧૬માં કાર્યરત કરાયું હતું.ઈન્સ્ટિટયુટને મેનેજમેન્ટ ફેકલ્ટી કેમ્પસના એક બિલ્ડિંગમાં એક આખો ફ્લોર ફાળવવામાં આવ્યો હતો. એક સમયે તેમાં રામાયણ, મહાભારત, પંચતંત્ર સહિતના ૧૧ જેટલા સર્ટિફિકેટ કોર્સ ચાલતા હતા.ઈન્સ્ટિટયુટનો ભગવદ ગીતા પરનો સર્ટિફિકેટ કોર્સ ભારે લોકપ્રિય પૂરવાર થયો હતો.દરેક બેચમાં ૪૦૦ થી ૫૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હતા.

ઉપરાંત ઈન્સ્ટિટયુટ દ્વારા સેમિનાર, વર્કશોપ તેમજ યુગાંતર ઈવેન્ટનું દર વર્ષે આયોજન કરાતું હતું.નેકની ટીમે પણ યુનિવર્સિટીની મુલાકાત લીધી ત્યારે આ ઈન્સ્ટિટયુટની નોંધ લીધી હતી.જોકે બે વર્ષથી ઈન્સ્ટિટયુટ સત્તાધીશોની ઉપેક્ષાનો શિકાર બન્યું છે અને તેના વળતા પાણી શરુ થયા છે.એક પછી એક કોર્સ બંધ થયા બાદ એક માત્ર ડિપ્લોમા ઈન લીડરશિપનો કોર્સ ચાલી રહ્યો હતો.ગત વર્ષે તેમાં આઠ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

એક વર્ષના ડિપ્લોમા કોર્સમાં આ વર્ષે એક પણ એડમિશન નહીં થયું હોવાથી હવે ઈન્સ્ટિટયુટમાં અભ્યાસ કરનારા એક પણ વિદ્યાર્થી રહ્યો નથી.અન્ય કોઈ  નવા કોર્સને સત્તાધીશોની મંજૂરી મળી નથી.બીજી તરફ સાત મહિના સુધી આ ઈન્સ્ટિટયુટના ડાયરેકટરની જગ્યા પણ ખાલી રહી હતી.આમ ઈન્સ્ટિટયુટને હવે માત્ર સત્તાવાર રીતે તાળા મારવાનું જ બાકી રહ્યું છે.

મેનેજમેન્ટ ડેવલપમેન્ટ સેન્ટર પણ ડચકા ખાઈ રહ્યું છે 

ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપની સાથે સાથે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ સેન્ટર પણ હવે લગભગ બંધ જેવી  સ્થિતિમાં છે.આ સેન્ટર માટે દાતાએ આપેલા કરોડો રુપિયાના દાનમાંથી બિલ્ડિંગ ઉભી કરવામાં આવી હતી.જેમાં મેનેજમેન્ટને લગતા વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરુ કરવામાં આવ્યા હતા.મોટાભાગના કોર્સ બંધ થઈ ગયા છે.સેન્ટરને જે સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો તેમની પણ બીજી જગ્યાએ બદલી કરી નાંખવામાં આવી છે.આમ યુનિવર્સિટીનું વધુ એક બિલ્ડિંગ ઉપયોગમાં ના આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.



Google NewsGoogle News