વડોદરામાં પૂર પીડિતોના આંસુ લુછવાના બદલે સાહેબને ખુશ કરવા તંત્રની દોડધામ
રસ્તાઓ, દીવાલોની તકલાદી સુંદરતા માટે શાસકોએ આખુ શહેર બાનમાં લીધું
વડોદરા : ટાટા અને એરબસ કંપની દ્વારા એરફોર્સ માટેના કાર્ગો પ્લેન બનાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કાર્ગો પ્લેન જ્યાં તૈયાર થશે તે એરક્રાફટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન માટે તા.૨૮મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરા આવી રહ્યા છે. વડોદરાની દુર્દશા બન્ને વડાપ્રધાનોના નજરે પડી ના જાય તે માટે વડોદરાને રાતોરાત સુંદર બનાવવા માટે તકલાદી ભેજાઓ કામે લાગ્યા છે.
પીક અવર્સમાં રસ્તાઓ ઉપર આડશ મુકીને કરાતી કામગીરીના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો, સેફ્ટી સાધનો વગર જ કામ કરતા મજૂરો
આ કામગીરી પીક અવર્સમાં કરવામાં આવી રહી છે. રસ્તાઓની વચ્ચે જ આડશ ઉભી કરીને મજુરો કામગીરી કરતા નજરે પડે છે. જાહેર રસ્તાઓ ઉપર કામ ચાલતુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો અને સુપરવાઇઝરોને હેલમેટ સહિતના સેફ્ટીના સાધનો નથી અપાયા. પીક અવર્સમાં રસ્તો રોકીને કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાહેર નોટિસ વગર જ આડેધડ કોઇ પણ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અથવા તો ડાયવર્ઝન આપવામાં આવે છે. વડાપ્રધાન વડોદરામા માંડ બે ચાર કલાક રોકાવાના છે તેના માટે વડોદરાના લોકોને શાસકોએ ૧૫ દિવસથી બાનમાં લીધુ છે. જો કે શાસકો એક વાત ભુલી જાય છે કે કટાઇ ગયેલા ડબ્બાને રંગ કરવાથી ડબ્બો નવો ના બની જાય તેમ વડોદરાની દુર્દશા તકલાદી સુંદરતાથી ઢાંકી નહી શકાય.