૧.૬૦ કરોડ રૃપિયા પરત કરવાને બદલે ૨૦ લાખમાં તારું મર્ડર કરાવીશ
બાનાખત કર્યા પછી મકાન દુકાન અન્યને વેચી માર્યા
સે-૩ના યુવાનની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે છેતરપિંડી કરનાર સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૩ એ ન્યુમાં રહેતા યુવાનને પાડોશી વ્યક્તિ સાથે સંબંધ રાખવો ભારે પડયો છે અને વિશ્વાસમાં આવી રૃપિયા આપીને મકાન અને દુકાનનો બહાનાખત કર્યો હતો પરંતુ આ શખ્સે અન્યને મકાન અને દુકાન વેચી માર્યા હતા અને રૃપિયા પરત માગતા ૨૦ લાખ આપીને મર્ડર કરાવી દેવાની ધમકી આપી હતી. હાલ ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર - ૩/એ ન્યૂ ખાતે રહેલા જીગર વિઠ્ઠલદાસ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પાડોશી રસિકભાઈ અમૃતલાલ જયસ્વાલ ફાઈનાન્સ કંપની ચલાવી લોકોને લોન આપતા હતા અને તેમની ઓફિસ ઈન્ફોસિટી સુપરમોલ-૧માં આવેલી હતી.આ ઓફિસ પર જીગરભાઈ અવાર-નવાર બેસતા હતા. ફાઈનાન્સના ધંધા માટે રૃપિયાની જરૃર હોવાનું કહીને રસિકભાઈએ હાથ ઉછીના પેટે ૯૨.૫૦ લીધા હતા. જે પેટે નોટરાઈઝ્ડ લખાણ પણ કરવામાં આવ્યા હતા. બાદમાં રસિકભાઈએ ઈન્ફોસિટીવાળી દુકાન ૧ કરોડમાં વેચવાની તૈયારી બતાવી હતી. આ દુકાન પેટે ૧ કરોડ રોકડ-ચેકમાં આપ્યા બાદ રસિકભાઈએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. પોતાને જરૃર હોવાથી રસિકભાઈએ બાદમાં ૧ લાખના ભાડે આ દુકાન રાખી હતી. રસિકભાઈએ દુકાનના સોદા પેટેનો ચેક વટાવ્યો ન હતો. તેમને ફરીથી નાણાની જરૃર પડતાં ૮૦ લાખમાં સેક્ટર - ૩/ડી ખાતે આવેલા તેમના મકાનનો સોદો કર્યો હતો. આ પૈકી ૫૫ લાખ રોકડા આપીને જીગરભાઈ તથા ભરતબાઈ રબારીના નામનો બાનાખત કરવામાં આવ્યો હતો. મકાન અને દુકાન પેટે ૩.૨૦ કરોડ નક્કી થયા હતા.આ પૈકી રસિકભાઈએ રૃ.૧.૬૦ કરોડ અલગ-અલગ તબક્કે લીધા હતા. મકાનનો બાનાખત થયો હોવા છતાં તેને કેન્સલ કર્યા વગર અન્ય વ્યક્તિ સાથે વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં દુકાનની ચાવી લઈને મર્ડર કરાવી દેવાની અને પુત્રનું અપહરણ કરવાની પણ ધમકી આપી હતી જેથી તેમની ફરિયાદના આધારે હાલ પોલીસે રસિકભાઈ જયશવાલ અને પોરના જયકુમાર રાજેન્દ્રભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.